Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોના મહામારી વચ્ચે ઉઘાડી લૂંટમાં જનતા હેરાનઃ વડોદરામાં ડુપ્લીકેટ સેનેટાઇઝરનો ૫૦ લાખ ઉપરાંતનો જથ્થો સીઝ

વડોદરા: કોરોના મહામારીમાં કેટલાક માફીયાઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. કોરોના કાળમાં મેડિકલ માફિયાઓ ડુપ્લીકેટ ઇન્જેક્શનો, સેનેટાઈઝર જેવી ચીજ વસ્તુઓ વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. આજે વડોદરાના ગોરવા બી.આઇ.ડી.સી. સ્થિત એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં PCB પોલીસે દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શંકાસ્પદ ડુપ્લીકેટ સેનેટાઈઝરનો વિપુલ જથ્થો સીઝ કરતા ખળભળાટ મચી ગયો છે.

PCB પોલીસને બાતમી મળી હતી કે ગોરવા બી.આઇ.ડી.સી. ની એ. કે. ઈન્ડસ્ટ્રીઝમાં ડુપ્લીકેટ સેનેટાઈઝરનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. અને આ સેનેટાઈઝર હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે તેઓએ સ્ટાફને સાથે રાખી દરોડો પાડ્યો હતો. પી.સી.બી. શાખાએ દરોડો પાડતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે સેનેટાઈઝરનુ ઉત્પાદન કરતી કંપનીના સંચાલકો દ્વારા સેનેટાઈઝર ડુપ્લીકેટ છે કે નહિ તેની તપાસ માટે એફ.એસ.એલ ટીમની પણ મદદ લીધી હતી.

એફ.એસ.એલ ટીમે કંપનીમાંથી સેનેટાઈઝર લિક્વિડના નમુના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. હાલ પોલીસે એ. કે. ઈન્ડસ્ટ્રીઝમાં પડેલો સેનેટાઈઝરનો આશરે રૂપિયા 50 લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કરી દીધો છે. આ અંગે ગોરવા પોલીસે જાણવા જોગ નોંધ લીધી છે. પી.સી.બી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે સેનેટાઈઝરનો જથ્થો ડુબલીકેટ હશે, તો કંપનીના સંચાલકો સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાની મહામારી દરમિયાન સેનેટાઈઝરની માંગમાં જબરજસ્ત વધારો થયો છે. કોરોનાથી ડરતા અને બચવા માટે લોકો મેડિકલ સ્ટોરમાં વેચાતા સેનેટાઈઝર મેડીકલ સ્ટોરના સંચાલકના વિશ્વાસ ઉપર લઈ જાય છે. અને તેનો વારંવાર ઉપયોગ કરતા હોય છે. ત્યારે મેડિકલ માફિયાઓ દ્વારા કોરોનાની દહેશત વચ્ચે જીવતા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી સેનેટાઈઝર જેવી ચીજ વસ્તુઓ પણ ડુપ્લીકેટ બનાવીને નાણા રડવાનો ખેલ ખેલી રહ્યા છે. અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

(4:45 pm IST)