Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

બેંકોમાં ગ્રાહક સેવાનો સમય સવારે ૧૦થી બેનો કરાયો

રાજ્યના નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો : એમજીબીઈએ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કર્યાના એક દિવસ બાદ લેવાયેલો નિર્ણય ૩૦ એપ્રિલ સુઘી ચાલશે

અમદાવાદ , તા.૨૧ : શું તમારે બેંકનું કોઈ કામ પતાવવાનું છે ? તો પછી બેંકમાં ૨ વાગ્યા પહેલા પહોંચી જશો, કારણ કે આજથી (૨૧ એપ્રિલ) બેંકોમાં કામના કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

રાજ્યના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, ગ્રાહકોની સેવા માટેનો સમય સવારે ૧૦થી બપોરે બે વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. મહાગુજરાત બેંક એમ્લોયી અસોસિએશન (એમજીબીઈએ) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યાના એક દિવસ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો અમલ ૩૦ એપ્રિલ સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકોના હેડ, અમદાવાદ આરબીઆઈના રિજનલ ડિરેક્ટર અને ગુજરાત એસએલબીસીના કન્વીનરે આ અંગે બેઠક યોજી હતી અને બેંકિંગ પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી હતી.

આ સમયગાળા દરમિયાન, બેંકની શાખાઓ અને તેની ઓફિસો ગ્રાહકોને માત્ર જરૂરી સેવાઓ આપશે, જેમાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોઅલ, આરટીજીએસ, રિમિટન્સ અને ક્લીયરન્સનો સમાવેશ થાય છે. બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. કોરોના વાયરસના ફેલાવાનો ઓછો કરવા માટે શાખાઓમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા જેટલી ઘટાડવામાં આવશે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે, તેમ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું. વિભાગે બેંકોને એટીએમમાં પૂરતી રોકડની ખાતરી કરવા અને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું છે. કેન્દ્ર, રાજજ્ય સરકાર અને અન્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલી કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેમ પરિપત્રમાં વધુમાં લખ્યું હતું.

(7:43 pm IST)