Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કન્યાદાન પૂર્વે કાળમુખો કોરોના માતા-પિતાને ભરખી ગયો

કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા : ૧૨ કલાકમાં જ પતિ અને પત્નીના કોરોનાથી મૃત્યુ થયા, ત્રણ-ત્રણ સંતાનાઓ માતાપિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ,તા.૨૧ : કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે. રાજકોટ શહેર પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના માત્ર ૧૨ કલાકના સમયગાળામાં તેમના પત્નીનું પણ મોત નીપજ્યું છે. માતાપિતાના નિધનથી ત્રણ-ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા વગરના થઈ ગયા છે. આગામી ૨૪મી મેના રોજ દંપતી પોતાની દીકરીનું કન્યાદાન કરવાના હતા. દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ દંપતીએ દમ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અમૃતભાઈ માયાભાઈ રાઠોડ કોરોના સંક્રમિત થયા હતા. ચાર દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તબિયત બરાબર થઈ ન હોવાના કારણે તેઓ સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દરમિયાન ૧૯મી એપ્રિલના રોજ બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.

           અમૃતભાઈનો પુત્ર તેમજ તેના પરિજનો અંતિમવિધિ પૂર્ણ કરીને હજુ તો ઘરે પહોંચ્યા હતા ત્યાં મોડી રાત્રે એકાદ વાગ્યે અમૃતભાઈના ધર્મપત્ની લાભુબેને પણ દમ તોડી દીધો હતો. લાભુ બેનને પણ કોરોના થયો હોવાથી તેઓ ઘરે જ સારવાર લઇ રહ્યા હતા. અમૃતભાઈ અને લાભુ બેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અમૃતભાઈ અને તેમનો પરિવાર રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતો હતો. માત્ર ૧૨ કલાકના સમયગાળા દરમિયાન પતિ-પત્નીનું મૃત્યુ થતાં પોલીસ લાઈનમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. વિધિની વક્રતા તો જુઓ, આવતા મહિને દીકરીના લગ્ન લેવાના હોવાથી દંપતી કન્યાદાન કરવાના હતા. પરંતુ દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ રાઠોડ દંપતીએ સંસાર છોડી દીધો છે. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે અમૃતભાઈ રાઠોડનું મૃત્યુ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. એક કોરોના વોરિયર્સ તરીકે તેમણે પોતાની ચિંતા કર્યા વગર રાજકોટ શહેરના લોકોની પડખે ઊભા રહેવા માટે સતત તેઓ ફરજ બજાવતા રહ્યા હતા.

(8:39 pm IST)