Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે જમીન પર કબ્જો મેળવાનર વિરુદ્ધ થશે હવે કડક કાર્યવાહી

ગાંધીનગર:સહિત આસપાસના વિસ્તારોમાં જમીનોના ભાવ કરોડો રૂપિયાને આંબી રહયા છે ત્યારે ખેડૂતોની આ મહામુલી જમીન પચાવી પાડવા માટે ભુમાફીયાઓ સક્રિય થયા છે. ખેડૂતોની જાણ બહાર ખોટા બાનાખત અને પુરાવા ઉભા કરી ખેડૂતોની જમીન ઉપર કબજો જમાવી લીધો છે. એટલું જ નહીં સરકારની પડતર અને ગૌચર જમીન ઉપર પણ આવા ભુમાફીયાઓનો કબજો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં રાજય સરકારને મળેલી વ્યાપક ફરિયાદોના પગલે આવા તત્ત્વો સામે પગલાં ભરવા તાજેતરમાં જ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ બહાર પાડવામાં આવ્યો છે. 

જેને લઈ ગાંધીનગરમાં જિલ્લા વહીવટી તંત્ર પણ એકશન મોડમાં આવી ગયો છે. ત્યારે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તા.ર૯ ઓગસ્ટ ર૦૨૦ના રોજ જમીન પચાવી પાડવા તથા તેને સંલગ્ન પ્રવૃતિઓને ડામવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ઓર્ડીનન્સ બહાર પાડવામાં આવ્યો છે જેનો મુખ્ય હેતુ જમીન ઉપર અન્ય ઈસમો કે તેની કોઈ કાયદેસરની માલિકી ના હોય અથવા  કાયદેસરના હકકદાર ના હોય તેમ છતાં કાયદા વિરૂધ્ધનું આચરણ કરીને ધાકધમકીઓ આપી કે દગાપૂર્વક કે બળજબરીપૂર્વક જમીનનો કબજો મેળવી જમીનની ઉપર બાંધકામની પ્રવૃતિ કરી, જમીન ગેરકાયદેસર રીતે ભાડે આપવી, જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા જેવી પ્રવૃતિ કરનાર કે કરાવનાર વ્યક્તિ અથવા સંગઠન કે કંપની દ્વારા જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃતિ અટકાવવાની છે તેમજ આવી પ્રવૃતિઓ કરનારને કાયદાનું ભાન કરાવવા ખાસ કોર્ટ કેસ ચલાવી છ માસમાં આવા તત્ત્વોને દસથી ચૌદ વર્ષ સુધીની સજા અને દંડ થાય તે માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

(6:00 pm IST)