Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ચોરી કરતા રંગેહાથ પકડાયેલા યુવકે ગળા પર બ્લેડ મારી લીધી

સુરતના કામરેજ નજીકની ઘટના : યુવાન રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ તેમજ ખિસામાંથી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પકડાઈ ગયોે

બારડોલી,તા.૨૧ : સુરત જિલ્લાના કામરેજ નજીક ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાત્રે ત્રણ વાગ્યે હાઇવે પર મૃતક ચોરી કરવા જતાં પકડાયો હતો. મૃતક રિક્ષામાં ઊંઘી રહેલા ચાલકના ગજવામાંથી ચોરી રહ્યો હતો. દરમિયાન અહીં પસાર થતાં હોમગાર્ડને શંકા જતા તેણે મૃતકને રંગેહાથ પકડી પાડ્યો હતો. જે બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી પોતાનું ગળું કાપીને આપઘાત કરી લીધો હતો. સુરત જિલ્લાના કામરેજ નજીક એક અજીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક ચોર ઈસમ ચોરી કરતા પકડાઈ જતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. ઘટના એમ હતી કે ગત રાત્રી દરમિયાન કામરેજ નજીક એક વ્યક્તિ રીક્ષામાં ઊંઘી રહ્યો હતો. દરમિયાન યુસુફ મોહમ્મદ મેમણ નામનો યુવાન રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ તેમજ ગાજવામાંથી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, રિક્ષા ચાલક જાગી ગયો હતો, તેમજ અહીં નજીકમાં હોમગાર્ડના જવાનો પણ પેટ્રોલિંગમાં હતાં.

હોમગાર્ડના જવાનો આવતા યુસુફ પકડાઈ ગયો હતો. ઘટના અહીંથી અટકી હતી. યુસુફ મેમણ ચોરી કરતા પકડાઈ જતા હોમગાર્ડના જવાનો તેને રીક્ષામાં બેસાડીને પોલીસ ચોકી લાવવા નીકળ્યા હતા. દરમિયાન યુવાને ખિસ્સામાંથી બ્લેડ કાઢી પોતાના ગળા પર મારી દીધી હતી અને આત્મહત્યા કરી લીધી હતી. એક બાજુ યુવાન ચોરી કરતા પકડાયાની વાત બહાર આવી તો બીજી બાજુ મૃતક યુવકની માતાએ પુત્રની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. મૃતકની માતાએ નવો ઘટસ્ફોટ કરી ખુદ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા. મૃતક યુસુફનો થોડા દિવસો પહેલા ભેસ્તાન આવાસ ખાતે રહેતા ઈમ્તિયાઝ બેલીમ, આસિફ સહિત ત્રણ ઈસમો સાથે ઝઘડો થયો હતો. જેમાં તેઓએ યુસુફની હત્યા કરવા ધમકી આપી હતી. જેથી યુસુફે આત્મહત્યા નહીં પરંતુ હત્યા થયાનો દાવો મૃતકની માતાએ કર્યો છે. જોકે, પોલીસનું માનીએ તો મૃતક યુસુફ મેમણ અગાઉ પણ મારામારી, હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોત અંગે ખરું કારણ બહાર આવી શકશે. યુવકનું મોત બ્લેડના ઘાથી કે પછી અન્ય કોઈ ધારદાર હથિયારથી થયું છે તે પોસ્ટ મોર્ટમ બાદ માલુમ પડશે.

(7:28 pm IST)