Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગાંધીનગર જિલ્લામાં લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી રૃપિયા મેળવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર એલસીબી-ર ની ટીમે ઝડપી લીધો છે અને સે-૭ પોલીસના હવાલે કરી દીધો છે.  

જિલ્લાના પોલીસ મથકોમાં નોંધાતા ગુનાઓમાં નાસતાં ફરતા આરોપીઓને પકડવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.મહિપાલસિંહ અને કો.ભવાનસિંહને બાતમી મળી હતી કે સે-૭ અને ઈન્ફોસીટી પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના બે ગુનાઓમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી આમીરખાન મહેબુબખાન પઠાણ રહે.નંદાસણ તા.કડી હાલ ગણેશપુરા બ્રીજ પાસે ઉભો છે જે બાતમીના આધારે તેને ઝડપી લેવાયો હતો. આરોપી અને તેના સાગરીતોને લોકોને સસ્તાદરે વિદેશ મોકલવાની લાલચ આપી તેમના પાસપોર્ટ અને રૃપિયા મેળવી ખોટા અને બનાવટી વીઝા વોટસએપ મારફતે મોકલી આપ્યા હતા અને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ઓફીસ ભાડે રાખીને છેતરપીંડી કરતાં હતા. સાગરીતો સાથે આ ટોળકીએ ઘણા છેતરપીંડીના ગુના આચર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ તેને પકડીને સે-૭ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

(5:57 pm IST)