Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

આણંદ નજીક બાકરોલમાં રાત્રીના સુમારે કચરો નાખવા બાબતે ઝઘડો કરી માતા-પિતા સહીત પુત્રને માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ:નજીક આવેલા બાકરોલ ગામે ગઈકાલે રાત્રીના સુમારે કચરો નાંખવા બાબતે દશેક જેટલા શખ્સોએ ઝઘડો કરીને માતા-પિતા તેમજ પુત્રને માર માર્યો હતો. જેમાં પિતાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલના વડવાળા ફળિયામાં રહેતા મોહનભાઈ ટપુભાઈ મૈસુરીયા ડોલમાં કચરો ભરીને રોડની સાઈડે નાંખવા ગયા હતા જ્યાં ધીરૂભાઈ પુંજાભાઈ પરમાર, સવિતાબેન ધીરૂભાઈ પરમાર અને તેમના ભત્રીજાએ આવી ચઢીને અહીં કેમ કચરો નાંખીને ગંદકી કરો છો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને પકડી રાખી મોંઢાના ભાગે ફેંટો મારતાં લોહી નીકળ્યું હતુ. ત્યારબાદ લાકડીઓથી છાતી, હાથ-પગ તેમજ બરડામાં માર માર્યો હતો. ધીરૂભાઈના ભત્રીજાએ તેના મિત્રોને ફોન કરતાં છ થી સાત શખ્સો આવી ચઢ્યા હતા. દરમ્યાન સુનીલભાઈ અને તેની માતા નીરૂબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ લાકડીઓથી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા મોહનભાઈને બાઈક પર બેસાડીને સુનીલભાઈ સારવાર માટે દવાખાને લઈ જતા હતા ત્યારે ઉક્ત શખ્સોએ બાઈકને રોકીને પોલીસ ફરિયાદ કરવા જશે તેમ જણાવીને બાઈક પાડી દઈને ફરીથી માર માર્યો હતો.

(5:14 pm IST)