Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

નાના ભાઈ સાથે ચોર પોલીસ રમતા ટાબરીયાની એક હરકતથી અસલી પોલીસે કર્ફ્યુમાં દોડવું પડ્યું

સાબરમતીમાં રમતા ટાબરિયાએ ધંધે લગાડી: પોલીસે બે કલાકની દોડધામ બાદ રાહતનો દમ લીધો

અમદાવાદ : અમદાવાદના સાબરમતીમાં નાના ભાઈ સાથે ચોર પોલીસ રમતા 11 વર્ષના ટાબરીયાની એક હરકતથી અસલી પોલીસ કરફ્યુમાં દોડતી થઈ હતી. જો કે શહેર પોલીસે બે કલાકની દોડધામ બાદ રાહતનો દમ લીધો હતો. ભાઈ સાથે ચોર પોલીસ રમતા ટાબરીયાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી ધરમનગરમાં ફાયરિંગ થયાનો અને એક વ્યક્તિને ગોળી વાગ્યાનો મેસેજ કર્યો હતો. કરફ્યુમાં ફાયરિંગનો મેસેજ સાંભળી ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ સહિતનો કાફલો દોડતો થયો હતો. પોલીસ તપાસમાં ટાબરીયાએ મજાકમાં ફોન કર્યાનો ખુલાસો થતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

સાબરમતીના ધરમનગરમાં ફાયરિંગ થયાનો અને એક વ્યક્તિને ગોળી વાગ્યાનો મેસેજ પોલીસ કંટ્રોલરૂમને બપોરે 3.45 વાગ્યાની આસપાસ મળ્યો હતો. પોલીસ કંટ્રોલરૂમએ મેસેજ સાબરમતી પોલીસને પાસ કર્યો હતો.

કરફ્યુમાં ફાયરિંગનો મેસેજ સાંભળી ઝોન 2 ડીસીપી વિજય પટેલ અને સાબરમતી પીઆઈ આર.એચ.વાળા પણ ચોંકી ગયા હતા. ધરમનગરમાં જઈ પોલીસે તપાસ કરી તો આવી કોઈ ઘટના ન બન્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પોલીસે ફોન જે નંબરવપરથી આવ્યો તે મોબાઈલ ધારકનું ઘર શોધ્યું હતું.

પોલીસ તપાસમાં મોબાઈલ ધારક સોના ચાંદીના વેપારી હોવાની વિગત ખુલી હતી. પોલીસે ઘરે જઈ તપાસ કરતા વિગતો મળી કે, જ્વેલર્સ શોપના માલિકના 11 અને  7 વર્ષના બે પુત્રો બપોરે પરિવારના સભ્યો સુઈ ગયા હતા. તે સમયે ચોર-પોલીસની રમત રમતા હતા. તે સમયે વેપારીના મોટા પુત્રે તેના દાદીનો મોબાઈલ ફોન લઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ધરમનગરમાં ફાયરિંગ થયાનો અને એક વ્યક્તિને ગોળી વાગ્યાનો મેસેજ રમત રમતમાં કર્યો હતો. પોલીસે આ મામલે કંટ્રોલરૂમને મેસેજ ખોટો હોવાનો જવાબ આપી એન્ટ્રી કરી હતી. ફોન કરનાર સગીર હોવાથી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

(11:04 pm IST)