Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

નવા મુખ્ય સચિવ કોણ બનશે? IAS લોબીમાં નારાજગી!

રાજય સરકારની ભલામણથી કેન્દ્ર સરકાર દ્વારા અનિલ મુકિમને છ માસનું એકસટેન્શન આપવામાં આવેલું : હાલના અનુમાનો મુજબ પંકજકુમાર, ગુરૂપ્રસાદ મહાપાત્રા અને ડો.રાજીવ ગુપ્તા દાવેદાર : આઈએએસ અધિકારીઓની સિનીયોરીટી ઉપર પણ તરાપ મારવામાં આવી હોવાની પણ ભારે ચર્ચા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ગુજરાત સરકારના વહીવટી તંત્ર તરફ નજર નાખીએ તો રાજયના વહીવટી વડા રાજયના મુખ્ય સચિવ ગણાય છે. ભૂતકાળમાં મુખ્ય સચિવ શ્રી બાલકૃષ્ણ તે સમયના બાહોશ મુખ્યમંત્રી શ્રી સ્વ.ચીમનભાઈ પટેલને પણ કેટલાક વહીવટી નિર્ણયો અંગે ના પાડતા હતા. પરંતુ આજે જે મુખ્ય સચિવ હા હા કરે તેને પ્રોત્સાહન મળે છે.

હવે આપણે આવનારા દિવસોના મુખ્ય સચિવની સ્પર્ધા માટે વાત કરીએ તો આપણને કંઈક જાણવા મળશે. હાલની મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ નિયમો અનુસાર ઓગષ્ટ ૨૦૧૯ના રોજ નિવૃત થતા હતા.

રાજય સરકારની ભલામણથી કેન્દ્ર સરકાર દ્વારા ૬ માસ માટે તેમની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

સરકારની આ ભલામણ અને કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે આગામી દિવસોમાં મુખ્ય સચિવની હરીફાઈમાંી કરવામાં આવતી કાપકૂપના કારણે આઈએએસ લોબીમાં ભારે મોટી નારાજગીનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે.

આજની પરિસ્થિતિએ જોઈએ તો પ્રિન્સીપાલ સેક્રેટરી મહેસુલ અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા શ્રી પંકજકુમારનો ક્રમ નિશ્ચિત ગણાય ત્યારબાદ શ્રી ગુરૂપ્રસાદ મહાપ્રસાદ કે જેઓ એપ્રિલ-૨૦૨૨માં નિવૃત થાય છે. તેવી જ રીતે કે રાજીવ ગુપ્તા સરકારના ખૂબ જ સીનીયર આઈએએસ અધિકારી છે તેમજ પ્રબળ દાવેદાર છે.

રાજય સરકાર હવે આમાંથી કોને મુખ્ય સચિવ બનાવે તે જોવાનુ રહે છે. અત્યાર સુધી ડો.રાજીવ ગુપ્તા પણ ગુજરાત સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારમાં મંત્રી મંડળમાંં કેબીનેટ મંત્રી ઉપરાંત ઘણી સેવાઓ આપી ચૂકયા છે.

રાજય સરકાર જો હવે નિષ્ઠાની દિશામાં આગળ જાય તો આઈએએસ અધિકારીઓમાં એક ચોક્કસ પ્રકારનો વિશ્વાસ આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. પરંતુ ભૂતકાળમાં કોઈને કોઈ કારણોસર આ અધિકારીઓની સીનીયોરીટી પર તરાપ મારવામાં આવી હોવાની ચર્ચા આજે પણ જોરશોરથી ચાલી રહી છે.

રાજય સરકાર આવા અણધાર્યા નિર્ણયો કરશે તો આઈએએસ ઉપ્રાંત અન્ય કેડરના અધિકારીઓનો નારાજગીનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે તેવી ચર્ચા વહીવટીતંત્રમાં ચર્ચાઈ રહી છે.

અગત્યની વાત તો એ છે કે જો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ અગ્રતાક્રમને ભૂલવાના પ્રયાસ કરશે તો વર્તમાન મુખ્ય સચિવને વધુ એક વખત ચાલુ રાખવાના પ્રયાસ કરશે.

(11:36 am IST)