Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ધો. ૧રની વિદ્યાર્થીની ઉપર પાસ કરાવી દેવાની લાલચ આપી દુષ્કર્મ કરનાર શિક્ષકને આજીવન કેદ

લંપટ શિક્ષક વિનુ કટારીયાની પાપલીલાથી શિક્ષણ જગત શર્મશારઃ કોર્ટે પણ આકરી ટીપ્પણી કરી

વડોદરા તા. રરઃ વડોદરાના અટલાદરા વિસ્તારમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિનીને પાસ કરાવવાની લાલચ આપી બળાત્કાર ગુજારનાર નરાધમ શિક્ષકને અદાલતે બળાત્કાર અને પોસ્કોના ગુના હેઠળ આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગોરવા વિસ્તારની નામાંકિત સ્કૂલના બાયોલોજી વિષયના શિક્ષક વિનુભાઇ કતારિયા (રહે. સહજાનંદ ડુપ્લેકસ, કલાલી રોડ) સામે બે વર્ષ અગાઉ ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીને પાસ કરાવી આપવાના બહાને લાલચ આપી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવા પામી હતી. પોલીસે આ બનાવમાં શિક્ષક વિનુભાઇ કતારિયાની ધરપકડ કરી હતી. આ બનાવ પછી શિક્ષક વીનુંભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ચુકાદો આપતા સમયે અદાલતે નોંધ્યું હતું કે આરોપી શિક્ષક હોવાથી અને પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દીકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવાના સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદાનો દુરુપયોગ કરીને લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે. એ જોતાં આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું છે, આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો એનાથી સમાજમાં ખોટો સંદેશો જશે. શિક્ષક અને વિદ્યાર્થિનીના શારીરિક સંબંધોની જાણ વિદ્યાર્થિનીનાં માતા-પિતાને થયા બાદ વિદ્યાર્થિનીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરીને વ્હોટ્સએપ એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું અને આરોપીથી પીછો છોડાવવા માગતી હતી. પરંતુ આરોપીએ વિદ્યાર્થિનીની માતાના મોબાઇલ ઉપર વારંવાર મેસેજ કરી તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવતો હોવાનું રેકોર્ડ પર આવ્યું હતું. આરોપીને યોગ્ય સજા કરવામાં ન આવે તો તેની વિકૃત માનસિકતા જોતાં આરોપી જેલમુકત થયા બાદ ફરીથી શિક્ષણ આપવાના ઓથા હેઠળ અન્ય વિદ્યાર્થિનીઓનું પણ શારીરિક ગુનો આચરે તેવી શકયતાને નકારી શકાય તેમ નથી.

જયારે બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીના પિતાએ અદાલતના હુકમને આવકાર્યો હતો. પરંતુ સમાજ માટે ભયજનક વિનુ કતારિયાને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી છે.

(2:56 pm IST)