Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

૨ દિવસ પછી ૨૪ જાન્યુઆરીથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ઉત્તરાયણ બાદ પવનની દિશા બદલાય છે અને ઠંડીનું જોર ઘટે છે. પરંતુ રાજ્યમાં હજુ પણ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મજુબ, રાજ્યમાં બે દિવસ બાદ 24 જાન્યુઆરીથી વધુ ઠંડી પડશે. હાલ નલિયામાં તાપમાનનો પારો 6 ડિગ્રી પર પહોંચ્યો છે. ત્યારે તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડી શકે છે. રાજ્યમાં લોકોએ હજુ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે વધુ ઠંડીની આગાહી કરી છે.

તો બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે એવુ વાતાવરણ હતું કે, વિઝીબિલિટી ઘટી ગઈ હતી. વાહનચાલકોને ગાડી ચલાવવામાં મુશ્કેલી પડી હતી. કચ્છમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ધુમ્મસના કારણે 100 ફૂટ દૂર પણ દેખાતું ના હોવાથી વાહનચાલકો પરેશાન થયા છે.

રાજકોટના જેતપુરમાં હિમવર્ષા જેવું વાતાવરણ બન્યું હતું. સવારે સમગ્ર વાતાવરણમાં ઝાકળ છવાયું હતું. વાતાવરણમાં પલટાથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઝાકળના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

રાજકોટના ધોરાજી પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધોરાજી તથા આસપાસના વિસ્તારની અંદરમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસને લઈને વાહન ચાલકો હેરાન થયા હતા. ત્યારે ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવા ધોરાજી પોલીસે અપીલ કરી હતી. ભારે ધુમ્મસના કારણે અકસ્માતનો ભય નિવારવા માટે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવા પોલીસે સલાહ આપી છે. તો બીજી તરફ, ગાઢ ધુમ્મસ ને કારણે શિયાળુ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી. તો રાજકોટમાં વાતાવરણ પલટાને કારણે જીરાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

જૂનાગઢ શહેરમાં પણ પાંચ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પાંચ દિવસ બાદ શહેરમાં તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. અચાનક ઠંડીમાં વધારો થતાં લોકો ઠૂઠવાયા છે. તો હજુ આગામી પાંચ દિવસ તાપમાન 10 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ઠંડીથી બચવા લોકો તાપણું કરીને રાહત મેળવી રહ્યા છે. તડકો પણ ઓછો નીકળ્યો હોવાથી ગરમી અનુભવાઈ નથી રહી.

(4:32 pm IST)