Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

૩૧ મેઍ નિવૃત્ત થયેલા શિક્ષણ વિભાગના કર્મચારીઓના રજા-રોકડ રૂપાંતરના બિલો હજુ સુધી મંજૂર ન થતા દેકારો

ગાંધીનગરઃ રાજ્યમાં 31 મેના રોજ નિવૃત્ત થયેલા શિક્ષણ વિભાગના કર્મચારીઓના રજા રોકડ રૂપાંતરના બિલો હજુ સુધી મંજુર થયા ન હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.ગ્રાન્ટ રિલીઝ થઈ ન હોવાના લીધે હાલમાં પણ તેમના બિલો પડતર છે.

ઉપરાંત ત્રણ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ પણ પડતર હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં જ 300 કર્મચારીઓના રજા રોકડ રૂપાંતરના બિલો અને 700થી વધુ મોંઘવારી તફાવતના બિલો પેન્ડિંગ હોઈ વહીવટી કર્મચારી સંઘના પ્રમુખે શિક્ષણ સચિવને પત્ર લખી આ રકમ વહેલી તકે મંજૂર કરવામાં આવે તેવી માગણી કરી છે.

ગુજરાતમાંથી આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો, ગ્રંથપાલ, લેબ ટીચર, ક્લાર્ક અને સેવકો 31- 5- 2020ના રોજ નિવૃત્ત થયા છે, તેમના રજા રોકડ રૂપાંતરના બિલો મંજૂર થઈ શક્યા નથી.

33 જિલ્લાના 34 શિક્ષણ અધિકારીની કચેરીઓમાં બિલો પેન્ડિંગ

જુદા જુદા 33 જિલ્લાની 34 જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં બિલો મૂકવામાં આવેલા છે, જે જુલાઈ મહિનાથી ગ્રાન્ટ રિલીઝ ન થવાના લીધે રજા રોકડ રૂપાંતરના બીલો મંજૂર થઇ શક્યા નથી. જેના લીધે કર્મચારીઓ આતુરતાથી બિલો મંજૂર થાય તેની રાહ જોઈ રહ્યા છે.

દરેક નિવૃત્ત કર્મચારી રજા રોકડ રૂપાંતરના બિલની રકમ આવનાર હોય છે તેનું અગાઉથી જ આયોજન કરીને બેઠા હોય છે. ઘણા લોકો લોન ચાલુ હોય તો તેના માટે આ રકમનું આયોજન કરીને બેઠા હોય છે. પરંતુ હજુ સુધી તે રકમ મંજૂર થઈ ન હોઈ કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

જુલાઇ પછી ગ્રાન્ટ આવી નહીં

રજા રોકડ રૂપાંતરનું બિલ તેમજ ત્રણ મહિના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી તે પણ ગ્રાન્ટ ન હોવાના લીધે મંજૂર થઇ શકી નથી. જુલાઈ માસ પછી ગ્રાન્ટ આવી ન હોવાથી આ પ્રકારના તમામ બિલો પડતર છે.

અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યની ડીઈઓ કચેરી આવેલી છે તેમાં અંદાજીત 300થી વધુ કર્મચારીઓના રજા રોકડ રૂપાંતરના બિલો તેમજ 700થી વધુ મોંઘવારી તફાવતના બિલો પેન્ડિંગ છે.

આ જ રીતે સમગ્ર રાજ્યના 31 મે 2020 ના રોજ નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓનો રજા રોકડ રૂપાંતર બિલ તેમજ મોંઘવારી તફાવતની ત્રણ મહિનાનું બિલ પડતર છે . શિક્ષણ સચિવ વિનોદ રાવને રજૂઆત

આ અંગે અમદાવાદ શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ યોગેશ મિશ્રાએ રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં કર્મચારીઓના આ બિલો વહેલીતકે મંજૂર કરવામાં આવે તેમ જણાવાયું છે.

(4:49 pm IST)