Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 13 હજારથી વધુ ગેરકાયદે જોડાણો કાયદેસર કરાયા

માત્ર રૂપિયા 500માં કાયદેસર જોડાણ આપવાની યોજના

અમદાવાદ : શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની માફક ગેરકાયદે પાણીના જોડાણો પણ સંખ્યાબદ્ધ પ્રમાણમાં છે.ગુજરાત સરકારે પૈસાની આવક સાથે ગેરકાયદે જોડાણો કાયદેસર થવાથી એક કાયમી આવક ઉભી થઇ જાય તે માટે ‘નલ સે જલ’  યોજના શરૂ કરી હતી. માત્ર રૂપિયા 500માં કાયદેસર જોડાણ આપવાની યોજના બહાર પાડી હતી. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 13 હજાર લોકોએ ગેરકાયદેસર જોડાણો કાયમી કરાયા હોવાની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ શહેરમાં મોટા ભાગે સ્લમ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં પાણી અને ગટરના ગેરકાયદે જોડાણો લઈ લેવામાં આવ્યાં હતાં. તે જ રીતે ગેરકાયદે ઉભા થઇ ગયેલા કોમ્પ્લેક્ષ તેમ જ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે પાણી અને ગટરના જોડાણો લેવાયાં હતાં. આ જોડાણો રાજકીય દબાણ કે અન્ય કારણોસર કાપવામાં આવતા ન હતાં અને તોડવામાં સરકારી મશીનરીનો ઉપયોગ તથા સમયનો વેડફાટ વધુ થાય તેમ હતો. તેમાંય વળી જો કોઈ કાનૂની રાહે કાર્યવાહી કરે તો તકલીફો ઉભી થાય તેમ હતી. (nal se jal yojna ahmedabad)

 દરમિયાનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ‘નલ સે જળ’ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે સરકારે જાહેરાત કરી હતી. તેની સાથે-સાથે કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કાઉન્સિલરોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તેનાં ભાગરૂપે 13 હજાર લોકોએ ગેરકાયદે જોડાણો કાયદેસર કરાવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમય હતો જ્યારે લોકો કે પછી સોસાયટીના રહીશો સામેથી પાણીના જોડાણો માટે અરજી કરતા હતાં ત્યારે કોર્પોરેશન દ્વારા કાયદેસરના દસ્તાવેજો માંગીને જોડાણો આપતા ન હતાં. આજે તેનાથી ઉલ્ટી સ્થિતિ સર્જાઈ છે. હવે સામેથી કોર્પોરેશન સમજાવીને અરજી કરાવડાવે છે

(11:15 am IST)