Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

૨૧મી સદીમાં જ્ઞાન-વિજ્ઞાનની શ્રેષ્ઠતાના અવસરો રાજ્યના યુવાનોને પૂરા પાડવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી શરૂ કરી : મુખ્યમંત્રી રૂપાણી

પદવી- ડીગ્રી મેળવીને સારી નોકરી મેળવવી કે કારકીર્દી ઘડતર કરવું એ ધ્યેય ઉપરાંત સમાજ-રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અદા કરવું પણ એટલું જ આવશ્યક : વિજયભાઈ રૂપાણી : વડા પ્રધાન મોદીની ઇ-ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારોહમાં વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્રેરક સંબોધન

અમદાવાદ : રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડા પ્રધાન મોદીની ઇ-ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમાં પદવીદાન સમારોહમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધનમાં પદવી ધારક છાત્રોને આહવાન કર્યું કે, દેશ અને સમાજના નિર્માણમાં પોતાનું શું યોગદાન આપી શકો છો એ તેમણે વિચારવું પણ એટલું જ જરૂરી છે. કેમ કે વેલ એજ્યુકેટેડ યુવા તરીકે તેમનું આ એજ્યુકેશન સમાજ અને દેશના સમાજિક વાતાવરણમાં પણ અવશ્ય રિફ્લેક્ટ થવું જોઇએ. તેમણે કહ્યું કે પદવી-ડીગ્રી મેળવીને સારી નોકરી મેળવવી કે કારકીર્દી ઘડતર કરવું એ ધ્યેય ઉપરાંત સમાજ-રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અદા કરવું પણ એટલું જ આવશ્યક છે. તેમણે આ સંદર્ભમાં યુવાનોને પોતાના જીવનનાં વ્યક્તિગત, પારિવારિક, સામાજિક ઉત્થાનના ધ્યેયથી ઉપર ઉઠીને ગામ-રાજ્ય-રાષ્ટ્રના હિતનો સંકલ્પ – કોઇ લક્ષ્ય કે ધ્યેય રાખવાની પણ પ્રેરણા આપી હતી.

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પંડિત દીનદયાળજીના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને દીનદયાળજીએ એકાત્મ માનવવાદ અને વ્યક્તિથી સમષ્ટિનો વિચાર કરી અંત્યોદય ઉત્થાનના આપેલા ચિંતનની વિશદ સમજ આપતા કહ્યું કે, વિદ્યાર્થીઓ દીનદયાળજીની જેમ જીવનમાં લગન, મહેનત, ઇમાનદારીને પોતાનું આદર્શ બનાવવા જોઇએ. મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, જીવનમાં તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડશે પણ કોઇપણ પડકારનો ડર રાખ્યા વિના સામનો કરવાની પડકારને તકમાં પલટવાની ક્ષમતા કેળવે. તેમણે શિક્ષણને જ વિકાસનો મુખ્ય આધાર ગણાવતા જણાવ્યું કે, દેશ અને સમાજના નિર્માણમાં શૈક્ષણિક સંસ્થાઓનું ખુબ મોટું યોગદાન હોય છે. એટલું જ નહીં જેટલી સારી યુનિવર્સિટીઓ હશે એટલું જ શ્રેષ્ઠત્તમ રીતે દેશના ભવિષ્યને તૈયાર કરી શકાય.

  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સેક્ટર સ્પેસિફિટ યુનિવર્સિટીના કોન્સેપ્ટની સાથે ગુજરાતમાં મોર્ડન એજ્યુકેશન સિસ્ટમ સ્થાપિત કરી છે તેની ભૂમિકા તેમણે આપી હતી. આજે ફક્ત પીડીપીયુ જ નહીં, ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, મરીન યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી જેવી બહુવિધ યુનિવર્સિટીઓ આવનારા સમયમાં ગુજરાતને એજ્યુકેશનનું ગ્લોબલ હબ બનાવશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ ૨૧મી સદીમાં જ્ઞાન-વિજ્ઞાનની શ્રેષ્ઠતાના અવસરો રાજ્યના યુવાનોને પૂરા પાડવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી શરૂ કરી હતી તેની ભૂમિકા આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં PDPU શ્રેષ્ઠ યોગદાન આપી રહી છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું.

ઘણા વર્ષોથી આ સંસ્થા શિક્ષણના ભંડારના રૂપમાં ઉભરી આવી છે. એટલું જ નહીં આ એક એવી સંસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓને ગ્લોબલ એક્સપોઝરની સાથે-સાથે, ભારતીય સમાજના મૂલ્યોની શીખ પણ મળે છે એમ તેમણે ઉમેર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે આપણે ગુજરાતને દેશનું એજ્યુકેશન સેન્ટર બનાવવા આપણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે વ્યવસ્થિત માહોલ પણ તૈયાર કર્યો છે

(1:20 pm IST)