Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કાળમુખો કોરોના:પાંચ જ દિવસમાં પોલીસ કોન્સ્ટેબલના માતા, ભાઈ અને પિતાનું કોરોનાથી નિધન

પોલીસ જવાને હોસ્પિટલનું 18 લાખ બિલચૂકવ્યુ પણપરિવારના ત્રણમાંથી એક પણ સભ્ય ના બચ્યું

અમદાવાદ: દિવાળી પછીના દીવસોમા કોરોનાનો બીજો રાઉન્ડ કેટલો ઘાતક નીવડ્યો કે કોરોના વોરિયર્સ પોલીસ જવાન અને તેમના પરિવારે અનુભવ કર્યો છે. દિવાળી પછીના પાંચ જ દિવસમાં પોલીસ કોન્સ્ટેબલના માતા, ભાઈ અને પિતાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. પોલીસ જવાનના પિતા,માતા અને ભાઈ કોરોના પોઝિટિવ આવતા ઠક્કરનગરની આદિત્ય હોસ્પિટલમાં ત્રણેને દાખલ કર્યા બાદમાં માતા-પિતાને સિવિલ અને ભાઈને ગ્લોબલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યો હતો. આ હોસ્પિટલોમાં રૂ.18 લાખનું બિલ પણ ચૂક્વ્યુ હતું. તેમ છતાં પરિવારના ત્રણ સભ્યોને ડૉકટરો બચાવી શક્યા ન હતા.

ચાંદખેડાના વૃંદાવન ડુપ્લેક્ષમા રહેતાં અને ટ્રાફિક બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ધવલ અનિલભાઈ રાવલના માતા નયનાબહેન રાવલ , પિતા અનિલકુમાર પોપટલાલ રાવલ અને ભાઈ ચિરાગ રાવલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આથી ત્રણેયને સારવાર માટે સતાધર ચાર રસ્તાની આદિત્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ડૉક્ટરોએ વેન્ટિલેટર ન હોવાનું કહી નયનાબહેનને સિવિલ કોવિડ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આથી નયનાબહેનને સિવિલમાં દાખલ કર્યા હતા. બાદમાં ભાઈ ચિરાગ રાવલની તબિયત લથડતા ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કર્યા અને પિતા અનિલભાઈને પણ સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યા હતા. આદિત્ય હોસ્પિટલએ ત્રણેની સારવારનું રૂ.12.50 લાખ બિલ વસુલ્યું હતું.

સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ગત તા.17મીના રોજ નયનાબહેનનું અવસાન થયું હતું. માતાના મૃત્યુના આઘાતમાંથી પરિવારના સભ્યો બહાર આવે તે પહેલાં બીજા જ દિવસે ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાઈ ચિરાગ રાવલના નિધનના દુઃખદ સમાચાર પોલીસ જવાન ધવલભાઈને હોસ્પિટલે આપ્યા હતા. ગ્લોબલ હોસ્પિટલએ ધવલભાઈ પાસે ચિરાગભાઈની સારવારનું બિલ રૂ.5.64 લાખ વસુલ્યું હતું.

માતા-ભાઈને કોરોનામાં ખોઈ ચૂકેલા પોલીસ જવાન ધવલભાઈને કલ્પના પણ ન હતી કે, હજુ પરિવારને વધુ એક દુઃખદ ઘડીમાંથી પસાર થવાનું છે. તે ગાળામાં ગઈકાલે રવિવારે પિતા અનિલભાઈનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આમ એક જ પરિવારના ત્રણ સભ્યો પાંચ દીવસમાં કોરોનામાં મોતને ભેટ્યા હતા.

કોરોના વોરિયર્સ પોલીસ જવાન ધવલભાઈ રાવલએ જણાવ્યું હતું કે, દિવાળીના દીવસોમાં હોસ્પિટલમાં વેન્ટિલેટર ખાલી ન હતા. આથી મારા માતા-પિતાને સિવિલ હોસ્પિટલ અને ભાઈને ગ્લોબલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા, પણ દુઃખ એ વાતનું છે કે, મારા ત્રણે સ્વજનોને ડૉકટરો બચાવી શક્યા નહી. હું લોકોને કહેવા માગું છું કે, કોરોનાથી ડરો અને સાવચેત રહો. વૃધ્ધ વ્યક્તિ અને બાળકોને ઘરની બહાર ન નીકળવા દો. બહાર માસ્ક પહેરીને નીકળો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી તમારા ઘરના કામ પુરા કરો.

(5:09 pm IST)