Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમદાવાદ :કરફ્યુમાં રસ્તા પર રખડતા ભિક્ષુકો અને ગરીબોને પોલીસ અને NGO સંસ્થાએ સાથે ભોજન પહોચાડ્યું

શહેરના લગભગ 10 હજાર જેટલા લોકોને બે ટંક ભોજન આપવામાં આવ્યું

અમદાવાદમાં શુક્રવાર રાતના 9 વાગ્યા થી સોમવારે સવારના 6 વાગ્યા સુધી લાદવામાં આવેલા કર્ફ્યુના કારણે રસ્તા ઉપર રખડતા અને ભટકતા ભીખારીઓ અને અત્યંત ગરીબ પરિવારના લોકોને બે ટંકનું ભોજન મેળવવું પણ અઘરું થઇ પડ્યું હતું, ત્યારે તેવા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા અમદાવાદના પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા શહેર પોલીસ અને NGO સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ તથા અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ખભે ખભા મેળવીને શહેરના લગભગ 10 હજાર જેટલા લોકોને બે ટંક ભોજન આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દરેક પોલીસ સ્ટેશન દ્વારા હેડ ક્વાર્ટર ખાતેથી જમવાનું લઈને જે તે વિસ્તારમાં ગરીબો અને ભિખારીઓને બે ટાઈમ ભોજન પહોચાડવાની કવાયત શરુ કરવામાં આવી છે. શાહીબાગ પોલીસ દ્વારા શાહીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા ગરીબ અને ભિખારીઓને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આવતીકાલથી દિવસનો કરફ્યું હટી જવાથી લોકોની ગાડી ધીમે ધીમે પાટે આવશે તેવું લાગી રહ્યું છે. પણ રાતનો કરફ્યું ચાલુ રાખવામાં આવશે.

(5:36 pm IST)