Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમદાવાદમાં કર્ફ્યુનો ભંગ કરવા બદલ કુલ ૫૯૩ કેસ

૬૪૧ લોકોની ધરપકડ, એક પોઝિટિવ : બે દિવસમાં શહેરંથી ૭૨ લોકોએ લગ્ન માટે મંજૂરી માંગી હવે રાત્રીના ૯ વાગ્યા બાદ લગ્ન પ્રસંગ યોજી નહીં શકાય

અમદાવાદ, તા. ૨૨ : શહેરમાં કોરોનાના કહેરનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. દિવાળીનાં પર્વ દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાન માં રાખી ને શહેર પોલીસ કડક પણે કર્ફ્યૂ નો અમલ કરાવી રહી છે.

શહેરમાં શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી રહી છે. ઉપરાંત મોટાભાગના ચાર રસ્તા ઉપર બેરીકેટ લગાવીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા કારણોસર બહાર નીકળ્યા છે. તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

અને જો યોગ્ય કારણ ન જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પ્રકારે શહેરમાં વાત કરીએ તો શુક્રવાર રાત્રીના નવ વાગ્યાથી આજે બપોરના ૪ વાગ્યા સુધીમાં કર્ફ્યૂનો ભંગ કરવા બદલ પોલીસે ૫૯૬  કેસ દાખલ કર્યા છે. અને ૬૪૧ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીની કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમાં સેકટર ૧ પોલીસ સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો પોલીસ એ ૨૩૦ કેસ દાખલ કરી ૨૩૮ આરોપી ઓ સામે કાર્યવાહી કરી છે. અને સેકટર ૨ વિસ્તારમાં ૩૬૬ કેસ દાખલ કરી ૪૦૩ આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. તો બીજી તરફ વાત કરવામાં આ બે દિવસમાં શહેરમાંથી ૭૨ લોકો એ લગ્ન માટે પોલીસની મંજૂરી માંગી છે. પરંતુ મહત્વની બાબત તો એ છે કે હવે અમદાવાદમાં પણ રાત્રીના નવ વાગ્યા બાદ કોઈ લગ્ન પ્રસંગ યોજી શકાશે નહી. કારણ કે હવે પોલીસ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન માટે કોઈ મંજૂરી આપશે નહિ. હવે ક્યારે સોમવાર થી રાત્રીમાં નવથી સવાર ના છ વાગ્યા સુધી કર્ફ્યૂનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો આજે રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૯૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે વધુ ૧૩ લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યું હતું.

(9:19 pm IST)