Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અમદાવાદના 18 વર્ષના હર્ષવર્ધન સિંહે લેન્‍ડમાઇન્‍સ પાથરવાની કામગીરીમાં તેનો નાશ કરવાની તાકાતવાળા ડ્રોનનું નિર્માણ કર્યુ

અમદાવાદ: અમદાવાદના 18 વર્ષીય હર્ષવર્ધનસિંહે એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. હર્ષવર્ધનસિંહ ઝાલાએ આ ડ્રોનને 'Eagle A7' નામ આપ્યું છે. આ વિશેષ ડ્રોન લેન્ડમાઈન્સ પાથરવામાં આવી હોય તેવા વિસ્તારોમાં લેન્ડમાઈન્સ શોધીને તેનો નાશ કરવાની તાકાત ધરાવે છે. આ ડ્રોનનું સફળ પરીક્ષણ હર્ષવર્ધનસિંહે ભારતીય સેના સાથે મળીને પૂર્ણ કરાયું છે. જેનું અમદાવાદ ખાતે યુએનના U.N.O.D તેમજ યુએસના પીસ જામ ફાઉન્ડેશન સાથે મળીને લોન્ચિંગ કરાયું છે.

વિશ્વમાં અનેક એવા દેશો છે જ્યાં લેન્ડમાઈન્સના કારણે દર વર્ષે અનેક અકસ્માત થાય છે, અને ત્યાં કામ કરતા મજૂરોના મોત નિપજે છે. અહીં લાખો લોકો ઈજાગ્રસ્ત થાય છે. ખાસ કરીને સૈન્યના જવાનો લેન્ડમાઈન્સના કારણે શહીદ પણ થતા હોય છે. લેન્ડમાઈન્સના કારણે દેશના જવાનો શહીદ ન થાય, સ્થાનિકોના મોત ન નિપજે, ઈજાગ્રસ્ત ન થાય તેવા આશયથી વર્ષ 2015માં અમદાવાદના બાપુનગરમાં રહેતા હર્ષવર્ધનસિંહ ઝાલાએ લેન્ડમાઈન્સ શોધી તેનો નાશ કરી શકે તે દિશામાં કામ કરવાનું નક્કી કર્યું હતું. અને શરૂઆત થઈ 'Eagle A7' (ડ્રોન)ના સફળતાની.

લેન્ડમાઈન્સ બે પ્રકારના જોવા મળતા હોય છે. મેટલ અને પ્લાસ્ટિક. મેટલ લેન્ડમાઈન્સ શોધી કાઢવા સરળ છે. પરંતુ પ્લાસ્ટિક લેન્ડમાઈન્સ શોધવા ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ 'Eagle A7' (ડ્રોન) મેટલ કે પ્લાસ્ટિક બંને પ્રકારના લેન્ડમાઈન્સ શોધીને તેનો નાશ કરે છે. આ માટે હર્ષવર્ધનસિંહ ઝાલાએ 'Eagle A7' ડ્રોન માટે 'મલ્ટી સ્પેટર એક્સપ્લોઝીવ ડિટેકશન ટેક્નોલોજી' વિકસાવી. 'Eagle A7'ની વિશેષતાની વાત કરીએ તો,

- આ ડ્રોન આકાશમાં ઉડ્યા બાદ 5 કિલોમીટરની રેન્જમાં પથરાયેલા ડ્રોનને શોધીને સિગ્નલ આપે છે.

- ડ્રોનને સિગ્નલ મુજબ જે તે સ્પોટ પર મોકલ્યા બાદ ડ્રોનમાં લગાવવામાં આવેલા વાયરલેસ ડિટોનેટરના માધ્યમથી લેન્ડમાઈન્સને ડીસ્ટ્રોય કરે છે.

- આ ડ્રોનમાં 4 વાયરલેસ ડીટોનેટર લગાવવામાં આવેલા છે. 16 અથવા 32 વાયરલેસ ડીટોનેટર લગાવી શકાય તેવી તૈયારીઓ હવે કરાઈ રહી છે.

- હાલ આ ડ્રોન 2 કલાકમાં ચાર્જ થાય છે અને 45 મિનીટ સુધી તેનો બેટરી બેકઅપ મળી રહે છે.

- 'Eagle A7' ડ્રોન બનાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

'Eagle A7' ડ્રોનને લઈ હર્ષવર્ધનસિંહ ઝાલા યુએનના U.N.O.D તેમજ યુએસના પીસ જામ ફાઉન્ડેશન સાથે મળીને કામ કરી રહ્યા છે. હર્ષવર્ધનસિંહ ઈચ્છે છે કે, 'Eagle A7' ડ્રોન માત્ર ડિફેન્સના જ ઉપયોગ પૂરતું સીમિત નાં રહે. આ ડ્રોનનો લાભ જ્યાં લેન્ડમાઈન્સ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, એ વિસ્તારોમાં રહેતા લોકોને પણ મળે. ભારતીય સૈન્ય આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે. આ ટેકનોલોજી સંદર્ભે સમયાંતરે સૈન્ય સાથે હર્ષવર્ધનસિંહની વાતચીત થતી રહી છે. ભારતીય સૈન્યએ કેટલાક બદલાવ માટે સૂચન કર્યા છે, જેના પર હાલ કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય 'Eagle A7' ડ્રોન સંદર્ભે હર્ષવર્ધન CRPF, દક્ષિણ કોરિયા, કુવૈત અને કેટલાક આફ્રિકન દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે.

હર્ષવર્ધનસિંહ ઝાલાની ઉમર માત્ર 18 વર્ષની છે, તે પોતે એરોરોબોટિક્સ 7ના ફાઉન્ડર, CEO, CTO અને ચેરમેન છે. તેમની સાથે મુલાકાત કરતા સૌપ્રથમ સવાલ એ જ થાય કે, આટલી નાની ઉંમરે આટલી મોટી સફળતા કેવી રીતે હાંસિલ થઈ હશે. તો આપને જણાવી દઈએ કે, હર્ષવર્ધનસિંહે માત્ર 12 વર્ષની ઉમરે જ બે ડ્રોન, ઘરમાં ઉપયોગી નિવડે એવા 8 રોબોટ્સ અને 42 જુદા જુદા પ્રોજેક્ટ બનાવ્યા હતા. હર્ષવર્ધનસિંહે વર્ષ 2015માં એક વીડિયો જોયો, જેમાં લેન્ડમાઈન્સના કારણે અનેક સૈનિકો શહીદ થયા અને કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. આ વીડિયો 'Eagle A7' ડ્રોનના બનાવવાની પ્રેરણારૂપ હતો.

અમદાવાદના બાપુનગરમાં રહેતા હર્ષવર્ધનસિંહ ઝાલાની વાત કરીએ તો તે સર્વોદય સ્કૂલમાં અભ્યાસ કરે છે. પોતાના અભ્યાસ વિશે વાત કરતા હર્ષવર્ધનસિંહ કહે છે કે, તેણે ધોરણ 6 બાદ લગભગ ક્યારેય હોમવર્ક પૂરું કર્યું નથી. તેની વર્ગમાં હાજરી પણ માંડ 20 ટકા જ રહેતી હતી. સ્કૂલમાં તેમના કામકાજને જોતા એક અલગ જ રૂમ આપવામાં આવ્યો હતો. જ્યાં જુદા જુદા પ્રયોગો જ કરવાનું કામ તે કરતો હતો. આખરે માત્ર ધોરણ 10 માં અભ્યાસ બાદ ભણવાનું છોડી દીધું અને સંપૂર્ણ ધ્યાન ડ્રોન, રોબોટ્સ અને જુદા જુદા પ્રોજેક્ટમાં લગાવી દીધું.

હર્ષવર્ધનસિંહનું માનવું છે કે તમામ વાલીઓએ તેમનું બાળક જે કામમાં રૂચિ ધરાવતું હોય તેમાં જ કંઈક કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. તેમના વાલીએ તેને છૂટ આપી, કોઈ કામ માટે દબાણ નાં કર્યું, સ્વાતંત્રતા આપી જેનું પરિણામ સફળતારૂપે આજે સૌની સામે છે. જયારે શરૂઆતમાં તેમણે લેન્ડમાઈન્સ શોધી કાઢે તેવું ડ્રોન બનાવવાનો વિચાર લોકો વચ્ચે રજુ કર્યો હતો ત્યારે અનેક લોકો કહેતા કે હજુ માત્ર 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. આગળ વધુ અભ્યાસ કરવામાં ધ્યાન આપ. અનેક મોટી કંપનીઓ આ પ્રકારે સંશોધન કરી રહી છે, તેમને સફળતા મળતી નથી તો તને શું મળશે. મને મારા વિચારો સાકાર કરવા 'Eagle A7' ડ્રોન બનાવવા માટે કોઈ જ મદદ મળી ન હતી. માત્ર ઈન્ટરનેટ અને પુસ્તકોમાંથી ઘણું શીખવા મળ્યું અને મદદ મળી છે. આજે મળેલી સફળતા અને ટેક્નોલોજી સંદર્ભે જ્યારે કેટલાક Ph.D પ્રોફેસરો સાથે વાત કરું છું તો એ પણ અચંબામાં મૂકાઈ જાય છે. મને ત્યારે કે આજે કોઇપણ મેન્ટર નથી મળ્યા. આ ડ્રોન બનાવવા માટે અનેક દિવસો સુધી સતત 16 કલાક કામ કર્યું છે અને હજુ પણ કરી જ રહ્યો છું.

(4:35 pm IST)