Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સુરતના ઉઘના વિસ્તારમાં જમીન દલાલ પાસેથી મિત્રતામાં નર્સરી શરૂ કરી ખોટા દસ્તાવેજ રજૂ કરી મિલ્કત પચાવનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: ઉધના ગામ સ્થિત કમલ બંગલોમા રહેતા અને મોટા ગજાના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાના પુત્ર એવા જમીન દલાલ વિલાશ કિશોર ભજીયાવાલા (ઉ.વ. 44) અને તેના મોટા ભાઇ જીગ્નેશ ભજીયાવાલાના સંતાન વેસુની જી.ડી. ગોએન્કા સ્કુલમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન પેરેન્ટસ મિટીંગમાં સ્કુલના શિક્ષક ગૌતમ સીયારામ દુબે (રહે. 402, શ્યામ વિહાર એપાર્ટમેન્ટ, સોમેશ્વર ચાર રસ્તા, વેસુ) સાથે પરિચય થયો હતો. ગૌતમે વર્ષ 2019માં સ્કુલમાંથી નોકરી છોડી દીધા બાદ પોતે તકલીફમાં છે એમ કહી નર્સરી શરૂ કરવા વેસુના પ્રતિક રો હાઉસમાં વિલાસની માલિકીનો બંગલા નં. 10 અને તેની બાજુમાં વેસુના ફાઇનલ પ્લોટ 37 વાળો 1060 ચો. મીટરનો પ્લોટની માંગણી કરી હતી. વિલાસે ભાડા કરાર કે વેચાણ અંગેનો કરાર કર્યા વિના મિત્રતામાં બંગલો અને પ્લોટ ગૌતમને આપ્યા હતા. પરંતુ ગૌતમે બંને મિલકતનો કબ્જો પરત આપવાને બદલે બોગસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટ દ્વારા કમિશન થયું હતું પરંતુ તેમાં ગૌતમના દાવા વિરૂધ્ધ નોંધ કરી હતી. તેમ છતા પણ ગૌતમે કોર્ટમાં બંને મિલકત ખરીદી હોવાનું અને બાના પેટે રૂા. 5 લાખ ત્યાર બાદ રૂા. 31 લાખ અને રૂા. 21 લાખ ચુકવ્યા હોવાનો તથા બંને મિલકતમાં પોતે રૂા. 65 લાખ રિનોવેશનમાં ખર્ચ કર્યાનો દાવો કરી કનડગત કરી રહ્યો હતો. આ પ્રકરણમાં ઉમરા પોલીસે ગૌતમ દુબેની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

(5:20 pm IST)