Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મનપા,જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવા કોંગ્રેસ કોર્ટના દરવાજા ખખડાવશે

ચૂંટણી ભલે બે ચરણમાં યોજવામાં આવે, પરંતુ મતગણતરી એક જ દિવસે રાખવી જોઈએ: અમિત ચાવડાની માંગ

અમદાવાદ : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે, મહાનગરપાલિકા (Corporation) અને જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી અલગ અલગ દિવસે કરવાના જાહેર કરેલા કાર્યક્રમ સામે, કોંગ્રેસ કોર્ટના દ્વાર ખખડાવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી પંચ ભાજપ સરકારના ઈશારે કામ કરતુ હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, માંગ કરી છે કે, ચૂંટણી ભલે બે ચરણમાં યોજવામાં આવે, પરંતુ તેની મતગણતરી એક જ દિવસે રાખવી જોઈએ.

ગત વખતે 2015ની ચૂંટણીમાં પણ આ જ પ્રકારે ચૂંટણી અને મતગણતરીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેની સામે કોર્ટમાં કાર્યવાહી કરતા કોર્ટે એક જ દિવસે મતગણતરી કરવા આદેશ આપ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચ, કોર્ટના આ આદેશમાંથી કોઈ બોધપાઠ શિખ્યુ નથી. મહાનગરપાલિકાઓની મતગણતરીની અસર જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી ઉપર પડ્યા વિના ના રહે. ભાજપ આવુ જ ઈચ્છતુ હોવાથી, સરકારના દબાણમાં આવી જઈને રાજ્ય ચૂંટણી પંચે આવો વિવાદાસ્પદ કાર્યક્રમ જાહેર કર્યો હોવાનું અમિત ચાવડાએ જણાવ્યુ છે.

(9:11 pm IST)