Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અમદાવાદના યુવાધનને બરબાદ કરવાના કારસ્તાનનો પર્દાફાશ : :બે કરોડથી વધુની દવાનો જથ્થા સાથે ત્રણ યુવકોની અટકાયત

ઓઢવના એક ગોડાઉનમાંથી ત્રીસ લાખનો મુદ્દામાલ અને 10 લાખની ટેબલેટ્સ પણ જપ્ત

અમદાવાદ : સુરત બાદ અમદાવાદના યુવાધનને બરબાદ કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. અમદાવાદના ચાંગોદરમાંથી નશો કરવા વપરાતી કફ-સીરપ અને દવાનો જથ્થો ગ્રામ્ય એસઓજીએ જપ્ત કર્યો છે. આ સાથે ત્રણ આરોપીઓની પણ અટકાયત કરી છે. આ ઉપરાંત ઓઢવના એક ગોડાઉનમાંથી ત્રીસ લાખનો મુદ્દામાલ અને 10 લાખની ટેબલેટ્સ પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસના સવાલોના જવાબ સંતોષકારક ન મળતા કડક કાર્યવાહીમાં આરોપી ભાંગી પડ્યા હતા. આ જથ્થો તેઓ ઓઢવના એક ગોડાઉનમાંથી લાવ્યા હોવાનો ખુલાસો આપ્યો છે. હાલ નશામા વપરાતી દવા ક્યાંથી લાવ્યા તે અંગે એસઓજીની ટીમ તપાસ ચલાવી રહી છે. મહત્વનું છે કે, નશા માટે વપરાતી દવાઓને લઇને પૂછપરછમાં વધુ કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.

પોલીસના જવાનોએ ઓઢવ GIDCમાં દરોડા પાડ્યા ત્યાં તેમને દવાઓનો મોટો જથ્થો હાથમાં આવ્યો હતો. આ દવાઓમાં અલગ અલગ કંપનીઓની પ્રતિબંધિત કોડીન અને અમુક પ્રતિબંધિત ટેબ્લેટ્સ પણ મળી આવી છે. આ ગોડાઉન સંચાલક શૈલેષ કુશવાહ પણ મળી આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓ સાથે કુલ ચાલીસ લાખની પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. અને ત્રણ આરોપીઓ જેમાં શૈલેષ કુશવાહ, શાહઆલમના સલમાન અને અલાઉદીનની ધરપકડ કરી છે. અને આ દવાઓ આપનાર ભરત ચૌધરી ઉદેપુરનો રહેવાસી છે તે હાલ ફરાર છે.

(12:17 am IST)