Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

તાકાત હોય તો જુહાપુરા જઈને બતાવો : ભાજપ કોર્પોરેટર

ભાજપના કોર્પોરેટરે AMCના અધિકારીને ધમકાવ્યા :વેજલપુરમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામની સાઈટ પર કોર્પોરેશનની ટીમ નોટિસ આપવા પહોંચી એ સમયની ઘટના

અમદાવાદ,તા.૨૩ : ભાજપના કોર્પોરેટર દિલિપ બાગડિયાનો કોર્પોરેશન અધિકારીને ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે. બાગડિયાએ ગેરકાયદે બાંધકામ બદલ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસને પણ ફાડીને ફેંકી દીધી હતી. વેજલપુરની સત્યનારાયણ સોસાયટીમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામની સાઈટ પર કોર્પોરેશનની ટીમ નોટિસ આપવા પહોંચી ત્યારે આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર ચંદ્રકાંતભાઈ નોટિસ બજાવવા પહોંચ્યા ત્યારે ભાજપના કોર્પોરેટર દિલિપ બાગડિયા લાલઘૂમ થઈ ગયા હતા, અને નોટિસને ફાડીને ફેંકી દીધી હતી. બાગડિયાનો આક્ષેપ છે કે કોર્પોરેશનના અધિકારી રુપિયા પડાવવા માટે ત્યાં આવ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે કોર્પોરેશનના અધિકારી કોર્પોરેટરને નોટિસ ના ફાડવા માટે જણાવી રહ્યા છે. જોકે, બાગડિયાએ સામો જવાબ આપતા કહ્યું હતું કે તે આ નોટિસ તો શું, ગમે તે કાગળ ફાડી શકે છે.

                 સાથે જ તેમણે કોર્પોરેશનના અધિકારીને પોતાના રસ્તામાં ના આવવા પણ ચેતવણી આપી હતી. કોર્પોરેશનના અધિકારીએ જ્યારે જણાવ્યું કે તેઓ કોઈ દલીલ કરવા નથી માગતા ત્યારે બાગડિયાએ તેમને ધમકાવતા કહ્યું હતું કે તમે જવાબ આપતા-આપતા થાકી જશો. તમે માત્ર કર્મચારી છો, અને હું રાજકારણી. તમે મારું કહ્યું ના કરો તે હું નહીં ચલાવી લઉં. જ્યારે ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે તેઓ ઉચ્ચ સ્તરે જાણ કરશે, ત્યારે બાગડિયાએ કહ્યું હતું કે તમારે મારો ઓર્ડર માનવો જ પડશે. તમારાથી થાય તે કરી લો. ત્યારબાદ બાગડિયાએ એક વ્યક્તિને કોર્પોરેશનના અધિકારી દસ હજાર રુપિયા માગે છે તેવી ખોટી ફરિયાદ કરવા જણાવ્યું હતું. કોર્પોરેટર બાગડિયાએ દાવો કર્યો હતો કે આ મામલે કોર્પોરેશનના અધિકારીઓ રુપિયા પડાવવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક વ્યક્તિ પોતાના ૪૦ વર્ષ જૂના ઘરમાં રિનોવેશન કરાવી રહ્યા છે. કોર્પોરેશનના લોકો તેમને હેરાન કરી રુપિયા માટે ત્યાં પહોંચ્યા હતા. જો રિનોવેશન કરાવનારાએ રુપિયા આપી દીધા હોત તો કદાચ તેમને નોટિસ અપાઈ જ ના હોત. મકાનમાલિકે આ અંગે પોતાને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા અને ત્યાં કોર્પોરેશનના અધિકારી સાથે બોલાચાલી થઈ હોવાનું બાગડિયાએ કહ્યું હતું. બાગડિયાએ એમ પણ કહ્યું હતું કે વેજલપુર લોઅર મિડલ ક્લાસ લોકોનો વિસ્તાર છે. મોટાભાગના લોકો રોજનું કમાઈ ખાનારા છે. કોર્પોરેશનવાળાને આપવા તેમની પાસે રુપિયા નથી. જ્યારે શહેરના જમાલપુર, કાલુપુર અને જુહાપુરા જેવા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ થાય છે ત્યારે કોઈ સત્તાધીશ તેની ચિંતા કરતા નથી.

(7:47 pm IST)