Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સુરતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સ જથ્થો ઝડપાયો

યુવાધનને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા અને પાકિસ્તાનની પ્રોકસીવોરને મ્હાત કરવા સુરતને ડ્રગ્સ મુકત કરવાનો મેં દ્રઢ નિર્ણય કર્યો છેઃ સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની અકિલા સાથે વાતચીત : કરોડો રૂપીયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલ યુવાનની પૂછપરછમાં ધડાકા-ભડાકા થવાની સંભાવના : ગુજરાત વ્યાપી કનેકશનો સાથે બોલીવુડના ડ્રગ્સ કનેકશનોની ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ-ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર. સરવૈયા ટીમ દ્વારા પોલીસ કમિશ્નરના માર્ગદર્શનમાં બંધ બારણે પૂછપરછનો ધમધમાટ

રાજકોટ, તા., ૨૩: મુંબઇથી ખુબ જ નજીક અને મુંબઇની ફેશનની સાથોસાથ તેના હાઇ પ્રોફાઇલ દુષણો સુરતમાં કોરોનાની જેમ પ્રસરી જતા હોવાની બાબતને પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે ખુબ જ ગંભીર ગણી સુરતના યુવાધનને નશાની ગર્તામાં ધકેલાતા રોકવા અને પાકિસ્તાનના પ્રોકસીવોરને મ્હાત કરવા સમગ્ર સુરતને ડ્રગ્સ મુકત કરવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહયાની બાબતને સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.

દરમિયાન ઉચ્ચ પોલીસ વર્તુળોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના અભિયાનને ૧૦૦ ટકા સફળ બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર. સરવૈયાની ટીમ દ્વારા સુરતના આજ સુધીના ઇતિહાસમાં કદી ન પકડાયું હોય તેટલી મોટી કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. જેની આજ સાંજ સુધીમાં સતાવાર જાહેરાત થનાર હોવાનું બહાર આવ્યું છે.

ચોક્કસ બાતમીના આધારે ડુમસ રોડ પર આવેલી એક હોટલમાંથી કરોડો રૂપીયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે સલમાન નામનો એક યુવાન ઝડપાયો છે અને તેની બંધ બારણે પુછપરછનો ભારે ધમધમાટ ચાલી રહયો છે. ઉકત યુવાનની પુછપરછ દરમિયાન ગુજરાતના મહત્વના શહેરો સાથે ડ્રગ્સ માફીયાના કનેકશન ઉપરથી પડદો હટે તેવી સંભાવના નકારાતી નથી.સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માફીયાઓની કેડ ભાંગી નાખવા છેલ્લા  ત્રણ-ચાર દિવસથી જોરદાર ઝુંબેશ ચાલી રહી છે. મુંબઇમાં બોલીવુડના જાણીતા ચહેરાઓના નામ ડ્રગ્સકાંડમાં બહાર આવવાના પગલે પકડાયેલ યુવાન પાસેથી પણ બોલીવુડ કનેકશન અંગેની પણ વિગતો ક્રાઇમ બ્રાન્ચ મેળવે તેવી સંભાવના નકારાતી નથી.

(11:49 am IST)