Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સાઇકલ ચલાવવી હવે નાનપ નહિ મોટપ ગણાય : મનસુખ માંડવિયા

કાર ફ્રી ડે નિમિતે કેન્દ્રીય મંત્રીનો પ્રેરક સંદેશ : સાઇકલનો ઉપયોગ વધારવા અપીલ

રાજકોટ,તા.૨૩ : વિશ્વ આખું  ૨૨મી સપ્ટેમ્બરના કાર ફ્રી ડે ઉજવી રહ્યું છે,પ્રદૂષણ મુકત વાતાવરણ,ટ્રાફિક સમસ્યાનું સમાધાન,ઈંધણ બચત,સમય બચત અને આર્થિક બચત સાથોસાથ સૌથી મોટું આરોગ્યપ્રદ જીવન માટે કાર ફ્રી માહોલ જ નહિં પરંતુ સાયકલ વપરાશ સમયનો તકાદો છે.ગ્લોબલ વોર્મિંગનું સમાધાન ચોક્કસપણે સાયકલિંગ જ છે.

સાયકલ ચલાવવામાં હવે નાનપ નથી રહી પરંતુ મોટપ ગણાય છે,સાયકલ સવારો હવે ગરીબ કે મજબૂર નથી ગણાતા પરંતુ દેશપ્રેમી,આરોગ્યપ્રેમી અને પર્યાવરણપ્રેમી મનાય છે.

 દેશના તાકતવર મંત્રી હોય કે ફિલ્મના સુપરસ્ટાર હોય, ટોચના ઉદ્યોગપતિ હોય કે ખ્યાતનામ ખેલાડી હોય તમામ લોકો સાયકલ ચલાવે છે. પહેલા માત્ર ગરીબ કે મજબુર લોકો જ સાયકલ ચલાવે તેવો ભ્રમ હતો તે ભ્રમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જેવા સેલિબ્રિટીઓએ ભાંગી નાંખ્યો છે.

શિપિંગ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કાર ફ્રી ડે નિમિત્ત્।ે એક વેબસંવાદમાં જણાવ્યું કે પહેલા દેશમાં કયાં આટલી બધી કાર હતી ? મોટા વાહનો હતા ?ત્યારે મોટા ભાગ નો વર્ગ સાયકલ જ ચલાવતો હતો. ત્યારે આમ જ કાર ફ્રી ડે ઉજવાય જતો હતો.! હવે લોકજીવન સુખી સંપન્ન થયું એટલે સાયકલ વિસરાતી થઈ...પરંતુ જો આરોગ્યસુખ ટકાવી રાખવું હોય તો સાયકલ ખૂબ જરૂરી છે.

બાયસીકલ ઇન્ડિયા ફાઉન્ડેશનના સીઈઓ ભૈરવી જોષી સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલવીરોને પ્રોત્સાહિત કરતા વધુમાં કહ્યું કે, સારી વાતની પહેલ કરો એટલે પ્રથમ તબકકે ટીકા થાય,વિરોધ પણ થાય અને સાચા અર્થમાં ધ્યેય માટે ટકી રહો તો અંતે સ્વીકૃતિ પણ થાય જ. આજે તેઓ છેલ્લા આઠ વર્ષથી સસંદ ભવનમાં સાયકલ લઈ ને જાય છે. આ માટે તેમને અનુસરતા લોકોનો વર્ગ પણ દિવસે દિવસે વધતો જાય છે.

ગુજરાતમાં મોટા મોટા શહેરોમાં સાયકલ કલબ શરૂ થઈ છે. લોકોમાં ગજબનો સાયકલપ્રેમ જાગ્યો છે. કોરોના કાળમાં તો સાયકલનું વેચાણ ડબ્બલ થઈ ગયું છે.!   અંતે કાર ફ્રી ડે નિમિત્ત્।ે યોજાયેલા વેબીનારનો નિષ્કર્ષ એવો રહ્યો કે કાર ફ્રી ડે વર્ષમાં માત્ર ૨૨મી સપ્ટેમ્બરે જ ઉજવાય તેના બદલે દર મહિનાની ૨૨મી તારીખે ઉજવાય તે માહોલ બનવો જોઈએ. અને તેની સામે સાયકલને સોગણું પ્રોત્સાહન મળવું જોઈએ. તો આવનારા દિવસો માનવજીવન માટે  સોનેરી હશે. અને તેમાં ગુજરાત પહેલ કરશે.

(11:52 am IST)