Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હાશ... શાકભાજીના ભાવો ૩૦થી ૪૦ ટકા ઘટયા...

અગાઉ હોલસેલમાં એક કિલો ૬૦થી ૭૦ રૂ.માં વેચાતા લીલા શાકભાજીના ભાવો ઘટીને ૧૫થી ૪૦ રૂ. થઇ ગયાઃ જો કે, છુટક બજારમાં હજુ પણ વધારે ભાવો લેવાઇ છે ! : કોથમરીના ભાવ ૨૫૦ થી ૩૦૦ રૂ.કીલો હતા તે ઘટીને ૧૦૦થી ૧૨૦ તથા મરચા એક કિલોના ભાવ ૧૮૦ રૂ. હતા તે ૧૦૦ રૂ. થઇ ગયાઃ વરસાદ નહિ આવે તો હજુ પણ ભાવો ઘટશે

રાજકોટ, તા.૨૩: ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા બાદ શાકભાજીના ભાવોમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થતા ગૃહિણીઓમાં હાશકાર થયો છે. અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ નહિ આવે તો ભાવો ઘટે તેવી શકયતા છે.

ભારે વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયા હતા. વરસાદે વિરામ લેતા લીલા શાકભાજીની આવકો વધવા લાગતા ભાવો ઘટવા લાગ્યા છે. તમામ લીલા શાકભાજીના ભાવોમાં ૩૦થી ૪૦ ટકાનો ભાવ ઘટાડો નોંધાયો છે. અગાઉ હોલસેલમાં લીલા શાકભાજી એક કિલોના ભાવ ૬૦ થી ૭૦ રૂ.૫૦ થયા હતા જે છૂટક બજારમાં પહોંચતા ભાવ ૧૦૦થી ૧૨૦ રૂ.થઇ જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. હાલમાં લીલા શાકભાજીની આવકો વધતા ભાવો ઘટીને હોલસેલમાં એક કિલોના ૧૫ થી ૪૦ રૂ. થઇ ગયા છે.

માર્કેટયાર્ડના શાકભાજી વિભાગના ઇન્સપેકટર ચાવડાના જણાવ્યા મુજબ વરસાદે વિરામ લેતા લોકલ તથા પરપ્રાંતમાંથી લીલા શાકભાજીની આવકો વધતા શાકભાજીના ભાવો તૂટી રહ્યા છે. રાજકોટ શાકભાજી વિભાગ યાર્ડમાં હોલસેલમાં રીંગણા ૧ કિલો ૧૦ થી ૧૫ રૂ., ભીંડો ૧૦ થી ૧૫ રૂ., ગલ્કા ૧૫થી ૨૦ રૂ., ઘીસોડા ૧૫ થી ૨૦ રૂ., દૂધી ૧૫ થી ૨૦ રૂ., વાલોળ ૨૫ થી ૪૦ રૂ., ચોળા ૧૫થી ૨૫ રૂ., ફલાવર ૧૫થી ૨૫ રૂ., કોબીજ ૧૫ થી ૨૫ રૂ., તથા ટમેટા એક કિલો ૨૦ થી ૨૫ રૂ.ના ભાવે વેચાયા હતા. તેમજ કોથમરી ૧ કિલોના ભાવ ૨૫૦થી ૩૦૦ રૂ. હતા તે ઘટીને ૧૦૦થી ૧૨૦ અને મરચા ૧ કિલોના ભાવ ૧૫૦ રૂ. હતા તે ઘટીને ૧૦૦ રૂ થઇ ગયા છે. જો કે, ગુવારના ભાવ હજુ ખાસ ઘટયા નથી. ગુવાર ૧ કિલો હોલસેલમાં ૬૦ થી ૮૦ રૂ.હતા.

હોલસેલમાં ગુવાર સિવાય તમામ લીલા શાકભાજીના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. પણ છૂટક બજારમાં હજુ પણ શાકભાજીના ભાવો વધારે મન ફાવે તેમ લેવાતા હોવાથી વ્યાપક લોક ફરીયાદ ઉઠી છે.

આગામી દિવસોમાં વરસાદ નહિ આવે તો હજુ પણ લીલા શાકભાજીના ભાવો ઘટશે તેવો વેપારી વર્તુળઓએ નિર્દેશ આપ્યો હતો.

(2:46 pm IST)