Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

છોટા હાથીમાં કપાસની ગાંસડીઓ લઈને ગાંધીનગર પહોંચ્યા તળાજાના ખેડૂત ગીગાભાઈઃ પોષણક્ષમ ભાવ ન મળતા વિધાનસભા બહાર વિરોધઃઅટકાયત

ગાંધીનગર, તા.૨૩: આજે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે ગુજરાતના એક પીડિત ખેડૂત ગાંધીનગરમાં વિરોધ કરવા પહોંચ્યા હતા. તેઓ વિરોધ દર્શાવવા માટે કપાસની મોટી ગાસડીઓ ગાંધીનગરમાં લઈ આવ્યા હતા. તળાજાના આ ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી.

ખેડૂતોની હાલત ચારેતરફથી દયનીય બની છે. એક તરફ આકાશી આફત, ને બીજી તરફ માંડ માંડ પાક પાકે ત્યા પૂરતો ભાવ ન મળે તો રોવાનો વારો આવે છે. આવામાં તળાજાના એક ખેડૂત કપાસ અને મગફળીનો પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. તળાજાના બોડકી ગામના ગીગાભાઈ નામના ખેડૂત ન્યાયની માંગણી સાથે ગાંધીનગર આવ્યા હતા. તેઓ છોટા હાથી પીક અપ વાનમાં કપાસ લઈને વિધાનસભાના ગેટ નંબર ૪ પર પહોંચ્યા હતા. તેઓ કપાસનો ઢગલો ગેટ પાસે કરવા જતા હતા, ત્યાં ગાંધીનગર પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, પોલીસે ખેડૂતને મીડિયાની નજરથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મીડિયા કર્મચારીઓને કવરેજ કરતા પણ રોકયા હતા.

વિરોધ દર્શાવતા ખેડૂતે કહ્યું હતું કે, હું કપાસ અને મગફળીનો પોષણક્ષમ ભાવ ન મળતાં વિરોધ કરવા પહોંચ્યો છું. ગીગાભાઈએ ગત વર્ષે કપાસની ખરીદી માટે ઓનલાઇન અરજી કરી હતી. તેમના પછીના ખેડુતોના કપાસની ખરીદી થઇ હતી, પણ તેમના કપાસની ખરીદી ન થતાં તેઓ વિરોધ કરવા સીધા ગાંધીનગર આવ્યા હતા. આ માટે તેઓ પોતાનો કપાસ લઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ કપાસ સચિવાલયમાં નાંખવો છે. ગત વર્ષે કપાસ ખરીદીમાં કૌભાંડ થયું હતું. તેમજ કપાસની ખરીદીમાં યાર્ડના હોદ્દેદારો પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેથી વિફરેલા ખેડૂતે આ રીતે વિરોધ દર્શાવવાનું નક્કી કર્યુ હતું.

(3:35 pm IST)