Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વિધાનસભામાં નાયબ મુખ્‍યમંત્રી પટેલની જાહેરાત

યાત્રાધામોના વિકાસ માટે સરકાર કયારેય પીછેહઠ ‌નહી કરે : પ્રવાસન સતામંડળમાં અધ્‍યક્ષ ઉપાધ્‍યક્ષ સહિત ૧૧ સભ્‍યોની નિમણુંક કરાશે

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વિધાસભા ગૃહમાં જણાવ્યુ છે કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મક્ક નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમાન જગતજનની ‘‘મા’’  અંબાજીના પવિત્ર યાત્રાધામ અંબાજીના સુગ્રથિત વિકાસ માટે અને દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓને સુખ-સગવડો પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરાશે. આ સત્તા મંડળમાં અધ્યક્ષ/ઉપાધ્યક્ષ સહિત ૧૧ સભ્યોની હોદ્દાની રૂએ નિમણુંક કરાશે.

            ગુજરાત વિધાનસભા ખાતે અંબાજી યાત્રાધામ અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક રજુ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે ગુજરાત અને દેશભરમાંથી અંબાજી ખાતે યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી રાજ્ય સરકારને આ વિસ્તારના સુગ્રથિત અને સુઆયોજિત વિકાસની તાકિદની જરૂરિયાત જણાતા અને અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળની સ્થાપના કરવા માટેનો આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે આ વિધેયક દ્ધારા આ સત્તામંડળની રચના થયેથી, સત્તામંડળ, વિધેયકમાં સુચવ્યા મુજબની સત્તાઓનો ઉપયોગ કરશે અને સૂચવેલ ફરજો બજાવશે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં ભક્તો તરફથી દાન-ભેટમાં અપાયેલ રકમ સૂચિત સત્તામંડળને આપવાની થતી નથી. ટ્રસ્ટની કામગીરી યથાવત રહે તથા ટ્રસ્ટની કામગીરી-અધિકારો ચાલુ રહે તે પ્રમાણેની જોગવાઇ આ વિઘેયકમાં કરવામાં આવી છે.

            નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે માં અંબાજીના દર્શન કરવા માટે ઉત્તરોત્તર સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ આવે છે. જેમ જેમ વધુ વ્યવસ્થા અને વિકાસ થશે તેમ તેમ ભવિષ્યમાં શ્રદ્ધાળુઓ વધતા જશે. જેથી આ વિસ્તારનો આયોજન બદ્ધ અને સુગ્રથિત  વિકાસ થાય અને આવનાર શ્રદ્ધાળુઓ/પ્રવાસીઓને ઉત્તમ સગવડ સુવિધાઓ, સલામતી મળી રહે તેમજ વિસ્તારની સઘન સુરક્ષા જળવાઇ રહે તેમજ ભારદવી પુનમના મેળામાં પણ લાખો શ્ર્ધ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોઇ તેમને પણ ઉત્તમ સગવડ પુરી પાડવાના ઉમદા હેતુથી આ વિધયેક લાવવામાં આવ્યુ છે. આ વિધેયક લાવવા માટેના મુખ્ય કારણો ‌જોઇએ તો માં અંબાજી મંદિર, ગબ્બર, કુંભારીયા, કોટેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારને સુઆયોજીત આયોજન, આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા અને  સલામત યાત્રા/પ્રવાસનને પ્રોત્સાહન આપવા. સંસ્થાકીય વ્યવસ્થા માટે ખાસ સત્તા મંડળની રચના કરી નગર આયોજન, વિકાસ નિયંત્રણ, આંતરમાળખાકીય સુવિધાઓ, યાત્રાધામ પ્રવાસન પ્રવૃતિઓનું  નિયમન અને સંચાલન, સલામત યાત્રાધામ પ્રવાસનની વ્યવસ્થા પુરી પાડવાનો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તામંડળની રચનાની જોગવાઇ કરવામાં આવી છે, જેમાં હોદ્દાની રૂએ સભ્યોની નિમણુંક રાજ્ય સરકાર દ્ધારા કરવામાં આવશે. અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી-કલેકટર, જી. બનાસકાંઠા, સચિવશ્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, સંયુકત/નાયબ સચિવશ્રી, પ્રવાસન વિભાગ, સુપ્રિટેન્ડ ઓફ પોલીસ, જી. બનાસકાંઠા, સરકારશ્રી દ્વારા નિમવાના રાજય સરકારશ્રીના બે અધિકારીશ્રીઓ, નગર નિયોજક, જી. બનાસકાંઠા, પ્રાંત અધિકારીશ્રી, તા.દાંતા, જી. બનાસકાંઠા, યાત્રાધામ પ્રવાસન આયોજનનો અનુભવ ધરાવનાર સરકારશ્રી દ્વારા નિમવાના બે બિનસરકારી સભ્યો, પ્રમુખશ્રી, દાંતા તાલુકા પંચાયત, દાંતા. બનાસકાંઠા, સભ્ય સચિવ કે જે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળના મુખ્ય કારોબારી સત્તાધિકારી તરીકે રહેશે-વહીવટદાર અને નાયબ કલેકટર, અંબાજી ટ્ર્સ્ટની નિમણુંક કરાશે.

            આ વિધેયકમાં કરાયેલ મહત્વની જોગવાઇઓની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે વિધેયકની કલમ ૩ માં અંબાજી  તથા તેની આજુબાજુના વિસ્તારને યાત્રાધામ પ્રવાસન વિકાસ વિસ્તાર તરીકે જાહેર કરી શકાશે કલમ-૪ માં  કલમ-૩થી જાહેર કરાયેલ યાત્રાધામ પ્રવાસન વિકાસ વિસ્તારના વિકાસ માટે  યાત્રાધામ પ્રવાસન સત્તામંડળની રચના થઇ શકશે. કલમ-૯માં પ્રવાસન સત્તામંડળની સત્તાઓ અને કાર્યો નીયત કરાયા છે. જેમાં વિકાસ યોજના/ નગર રચના યોજનાઓ બનાવવી, વિકાસ પ્રવૃતિઓનું નિયમન અને અનઅધિકૃત બાંધકામનું નિયંત્રણ, આંતર માળખાકીય સુવિધાઓ તથા સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સહિત અન્ય નાગરીક સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવી, સત્તામંડળ વિસ્તારમાં આવેલ જમીનનું પ્રબંધન, સંપાદન વગેરે જેવી કામગીરી કરવાની રહેશે. તે જ રીતે કલમ-૧૦ માં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ હેઠળ  વિકાસ યોજના અને નગર રચના યોજનાઓ બનાવવી, મંજુર કરવી અને તેનુ અમલીકરણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. 

            તેમણે ઉમેર્યુ કે કલમ-૧૧ થી ૨૩ માં વિકાસ પરવાનગી આપવીઅને અનઅધિકૃત બાંધકામને નિયંત્રિત કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ-૨૪ થી ૨૮ માં  પ્રવાસીઓની સુરક્ષાઅને સત્તામંડળ વિસ્તારની દેખરેખ અને જાળવણીની જોગવાઇઓ કરવામાં આવેલ છે. ક્લમ-૨૯ માં પ્રવાસનને લગતા વ્યવસાયની નોંધણી અને તેના નિયમન કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ-૩૦માં યાત્રાળુઓ માટે ગાઈડની નિમણૂંક અને લાઇસન્સ આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ-૩૧ માં  કલમ-૩ હેઠળ જાહેર કરાયેલ યાત્રાધામ પ્રવાસન વિકાસ વિસ્તારને નોટીફાઇડ એરીયા તરીકે જાહેર કરી શકાશે અને તેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ-૨૬૪(બી) અને ૨૬૪(સી) હેઠળની વેરો વસૂલવાની તેમજ નગરપાલિકાએ આપવાની થતી નાગરીક સુવિધાઓ સહિતની તમામ સત્તાઓ સત્તામંડળને મળી શકે તેવી  જોગવાઇ કરવામાં આવેલ છે. અને કલમ-૫૬ માં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬ ની જોગવાઇઓ હેઠળ રચાયેલ અંબાજી વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિકાસ યોજના અને નગર રચના યોજનાઓ વિગેરેની થયેલ કામગીરીને અસર ન થાય તેવી  જોગવાઇ પણ કરવામાં આવેલ છે.

તેમણે ઉમેર્યુ કે અંબાજી અને તેની આજુબાજુના વિસ્તાર માટેની જરૂરીયાતો ધ્યાને લઇને આ વિધેયક બનાવવામાં આવે છે. આ એક જ કાયદામાં વિકાસ યોજનાઓ અને નગર રચના યોજનાઓ બનાવવી અને અમલીકરણ કરવું, વિકાસ પરવાનગી આપવી અને અનઅધિકૃત વિકાસનું નિયમન કરવું, સત્તામંડળ દ્વારા નાગરીક સુવિધાઓ પૂરી પાડવી, પ્રવસાનને લગતી પ્રવૃતિઓનું નિયંત્રણ કરવું અને સલામત પ્રવાસન પૂરૂ પાડવું જેવી બાબતોનો સમાવેશના કારણે લાખો શ્રધ્ધાળુઓના આસ્થા સમાન અંબાજીનો સંતુલિત વિકાસ થયે જેના કારણે યાત્રાળુઓની સવલતમાં વધારો થશે.

(9:52 pm IST)