Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કિશોર શ્રમિકોને જોખમી વ્‍યવસાયોમાં રાખવા બાળકોને વ્‍યવસાયમાં જોડવા બદલ રૂ. ૧ લાખનો દંડ વસુલાશે : ગુજરાત બાળ-કિશોરશ્રમ સુધારા વિધેયક વિધાનસભમાં પસાર

ગાંધીનગર : કિશોર શ્રમિકોને જોખમી વ્‍યવસાયોમાં કામે રાખવા, બાળકોને કોઇપણ વ્‍યવસાયમાં જોડવા બદલ કામે રાખનારાઓ પાસેથી રૂ. ૧ લાખનો દંડ વસુલાશે.

શ્રમ રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે કહેલ કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વ્યાપક રોજગારી પુરી પાડતું રાજ્ય છે ત્યારે માલિકો બાળકોને કોઈપણ વ્યવસાયમાં તથા કિશોર શ્રમિકોને જોખમી પ્રક્રિયા અને વ્યવસાયોમાં કામે ન રાખે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ માં સને ૨૦૧૬ના સુધારાથી ૧૪ વર્ષથી નીચેના બાળકને દરેક પ્રકારના કામ પર રાખવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ કૌટુંબિક વ્યવસાયમાં પણ કામ કરવા અંગે નિયમન કરતી જોગવાઈ કરવામાં આવી છે. જે વ્યક્તિએ ૧૪ વર્ષ પૂર્ણ કરેલ છે પરંતુ ૧૮ વર્ષ પૂર્ણ કરેલ નથી તેવા કિશોરોને જોખમી પ્રક્રિયા અને વ્યવસાયોમાં કામે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.

        મંત્રીશ્રી ઠાકોરે ગુજરાત બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) સુધારા વિધેયક વિધાનસભા ખાતે રજૂ કરતાં કહ્યું કે રાજ્યમાં બાળશ્રમિકોના પ્રમાણમાં ઘટાડો કરી શકાય, બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬નું અમલીકરણ વધુ સઘન રીતે થાય, ગુજરાત રાજ્ય બાળશ્રમિક મુક્ત બને તથા બાળકોને કામે રાખનાર માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે તે હેતુથી આ સુધારા કરવા જઈ રહ્યા છીએ.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ કાયદાની કલમ – ૧૪ની જોગવાઈ અન્‍વયે બાળકોને કોઈપણ વ્યવસાયમાં  રાખવા તથા કિશોર શ્રમિકોને જોખમી પ્રક્રિયા અને વ્યવસાયોમાં કામે રાખવા  બદલ દંડની મહત્તમ રકમ રૂ.૫૦,૦૦૦/-(પચાસ હજાર) ની જગ્યાએ રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) કરવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ કાયદાની કલમ-૧૭ A માં ‘ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ’ ની જગ્યાએ ‘ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર અથવા ડાયરેક્ટર ઓફ લેબર અથવા રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી’ ને સત્તાઓની સોંપણી તેમજ આ કાયદાની કલમ-14D  નીચેના કંપાઉન્ડીંગ ઓફ ઓફેન્સની સત્તાઓની સોંપણી પણ ‘ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ’ ની જગ્યાએ ‘ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર અથવા ડાયરેક્ટર ઓફ લેબર અથવા રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી’ ને કરવા જઈ રહ્યા છીએ.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આ અધિનિયમમાં સુધારા થવાથી ગુજરાત બાળશ્રમિક મુક્ત રાજ્ય બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે. દંડની રકમમાં વધારો કરવાથી માલિકો બાળશ્રમિકો  તથા કિશોરશ્રમિકોને કામે રાખતા અટકશે. સત્તાનું વિકેન્દ્રીકરણ થવાથી આ કાયદાનું વધુ ઝડપી અને વધુ અસરકારક અમલીકરણ થશે. આ વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયુ હતું.

(9:55 pm IST)