Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદના તમામ IPS ઓફિસરોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત લીઘી : ક્રાઇમ રેટ પર કન્ટ્રોલ મેળવવા, કોરોના ગાઈડ લાઈન પાલન અંગે ચર્ચા

મુખ્યમંત્રીએ કોરોના લહેરમાં કામ કરનાર શ્રેષ્ઠ કામગીરી અને રથયાત્રા સહિતની શ્રેષ્ઠ કામગીરી અગે પોલીસ અધિકારીઓને બિરદાવ્યા

અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે શપથ લીધા બાદ રાજ્યના અનેક પોલીસ અધિકારીઓને મળ્યા ન હતા. જેથી આજે અમદાવાદ પોલીસ કમિશનર સહિત તેમના તાબા હઠળના તમામ અધિકારીઓ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદની સ્થિતિ, ટ્રાફિક સમસ્યા, લોકોને સમસ્યા ન પડે તે માટે શૂદ્રડ-પારદર્શક વ્યવસ્થા ગોઠવવા, ક્રાઇમ રેટ પર કન્ટ્રોલ મેળવવા, કોરોના ગાઈડ લાઈન પાલન અંગે ચર્ચા કરી હતી. અગાઉની કોરોના લહેરમાં કામ કરનાર શ્રેષ્ઠ કામગીરી અને રથયાત્રા સહિતની શ્રેષ્ઠ કામગીરી અગે પોલીસ અધિકારીઓને બિરદાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાલની જેમ શૂદ્રડ ચાલે તે અંગે જરૂરી સૂચન કર્યા હતા.

રાજ્યના નવા બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે કાર્યભાર સંભાળતાની સાથે સક્રિય રહ્યા છે. તેવામાં રાજ્યના મોટા ભાગના પોલીસ અધિકારીઓ તેમને હજુ સુધી મળ્યા નથી. તેવામાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જોઈન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી, મયંકસિંહ ચાવડા, ગૌતમ પરમાર, પ્રેમવીરસિંહ યાદવ, અજય ચૌધરી, તમામ ડીસીપી સહિતના અધિકારીઓ મુલાકાત માટે ગયા હતા.

મુખ્યમંત્રીએ તમામ અધિકારીનો પરિચય કેળવી વાતચીત કરી હતી. ખાસ કરીને શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી હાલના સંજોગો વ્યવસ્થિત હોવાથી આવી સ્થિતી બની રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. અમદાવાદમાં થતી ટ્રાફિક સમસ્યા તેના ઉકેલ માટેના પગલાં, લોકોને સમસ્યા ન પડે તે માટે શૂદ્રડ-પારદર્શક વ્યવસ્થા ગોઠવવા, ક્રાઇમ રેટ પર કન્ટ્રોલ મેળવવા ગુનેગારોને નહિ બક્ષવા અને કડક હાથે કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા.

કોરોના ગાઈડ લાઈન પાલન અને ભૂતકાળમાં થયેલી કોરોના કાળની કામગીરી અંગે પોલીસ અધિકારીઓના વખાણ કર્યા હતા. લોકોની સમસ્યાઓનો નિકાલ અને ગુનેગારો દ્વારા તેમની કનડગત ન થાય તેનું ખ્યાલ રાખવો તેવા સૂચનો કર્યા હતા. તેમજ રાજ્યની સૌથી મોટી ઐતિહાસિક નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસે ખડેપગે કરેલી શ્રેષ્ઠ કામગીરીના વખાણ કર્યા હતા અને અધિકારીઓને બિરદાવ્યા હતા.

શહેર પોલીસ કમિશનરે મુખ્યમંત્રીની મુલાકાત માટે સમય લીધો હતો. આમ સમય મુજબ અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ પહોંચી ગયા હતા. જોકે મુખ્યમંત્રીની ઓફીસ બહાર મેળાવડો હતો અને અનેક લોકો મળવા માટે આવ્યા હતા. જેથી અમદાવાદ શહેરના અધિકારીઓને અડધો કલાક રાહ જોવાનો વારો આવ્યો હતો.

(1:00 am IST)