Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો : 4 વિસ્તારો દૂર : 7 વિસ્તારો કંટેનમેન્ટમાં મુકાયા

દક્ષિણ તથા ઉત્તર પશ્ચિમ વિસ્તારના પાંચ સ્થળો માઇક્રો કન્ટેન્મેન્ટ જાહેર :થલતેજ તથા મેમનગરના ફલેટોનો વિસ્તાર વધારાયો

અમદાવાદ: ગુજરાતમાં આજે 1136 કોરોનાના કેસો નોંધાયા છે. તેની સામે અમદાવાદ શહેરમાં 163 કેસો નોંધાયા હતા. આમ ગુજરાત તથા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો એટલે કે ગઇકાલ કરતાં માત્ર એક જ કેસ ઘટયો છે. તેની સામે અમદાવાદ શહેરની વાત કરીએ તો માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી દૂર કરાયેલા વિસ્તારોની સામે ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા ગુરુવારે વધુ છે. ગુરુવારે 7 નવા વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં છે. તેની સામે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેન્મેન્ટ  વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.

ગુરુવારે માઇક્રો કન્ટેન્મેન્ટ  વિસ્તારોમાં દક્ષિણ ઝોન તથા ઉત્તર પશ્ચિમના વિસ્તારો છે. જેમાં કુબેરનગર, બોડકદેવ, મેમનગર, થલતેજ, ઘોડાસર તથા નારણપુરા છે. ખાસ વાત તો એ છે કે, મેમનગર સ્થિત સર્જન ટાવરમાં તથા થલતેજ સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેના સ્થાપત્ય એપાર્ટમેન્ટમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં વધારો કરાયો છે. જયારે બોડકદેવના બાલાજી એવન્યુમાં 34 મકાનોના 130 રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 103 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 103 વિસ્તારોમાંથી 5 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 98 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 105 પર પહોંચ્યો છે.

નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના 2 તથા ઉત્તર પશ્ચિમ ઝોનના 3 તથા ઉત્તર તથા પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કુબેરનગર, બોડકદેવ, મેમનગર, થલતેજ, ઘોડાસર તેમ જ નારણપુરા વિસ્તારોનો સમાવેશ થાય છે.

(12:11 am IST)