Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદમાં કોરોનાનો વધતો કહેર : નવા 22 માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા

માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી કરાશે

અમદાવાદઃ અમદાવાદમાં આજના દિવસમાં કુલ 22 માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારો ઉમેરાયા છે અને છ દૂર કરાતા શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 111 પર પહોંચી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવી રહેલા શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટેની બેઠક આજ રોજ અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમા મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર, આઇએએસ તથા વિવિધ ડેપ્યુટી કમિશ્નરઓ, હેલ્થ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તથા આરોગ્ય ખાતાના અધિકારી વગેરે હાજર હતા.

અમદાવાદમા આજના રોજ વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે દૂર કરાયેલા છ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ચાર ખોખરા સાઉથના હતા. તેમા કુલ 62 મકાનો હતા અને તેમા વસનારાઓની કુલ સંખ્યા લગભગ 200 લોકોની હતી. જ્યારે એક વિસ્તાર પશ્ચિમમાં પાલડીનો હતો અને તેમા મકાનોની સંખ્યા 12 અને રહેવાસીઓની સંખ્યા 80 હતી અને બીજો વિસ્તાર પશ્ચિમનો ચાંદખેડા વિસ્તાર હતો. તેમા મકાનોની સંખ્યા 40 અને કુલ લોકોની સંખ્યા 160 હતી.

 

આ સિવાય આજે જાહેર થયેલા નવા 22 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં અમદાવાદ સાઉથના 10, નોર્થ વેસ્ટના ચાર, સાઉથ વેસ્ટ અને ઇસ્ટના ત્રણ-ત્રણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેન્ટ્રલ અને વેસ્ટના એક-એકનો સમાવેશ થાય છે. સૌથી વધુ કન્ટેઇનમેન્ટ ઝોન ધરાવતા અમદાવાદ સાઉથને જોઈએ તો તેમા કુલ 200થી વધારે મકાનો છે અને તેમા રહેનારાઓની સંખ્યા આઠસોથી પણ ઉપર જાય છે.

જ્યારે સાઉથવેસ્ટમાં આવેલા કન્ટેઇનમેન્ટ ઝોનના મકાનોની સંખ્યા 73થી વધારે છે અને તેમા રહેનારા લોકોની સંખ્યા લગભગ પોણા બસોથી વધારે છે. જ્યારે પૂર્વમાં આ પ્રકારના માઇક્રોઝોનમાં મકાનોની સંખ્યા 137 છે. પશ્ચિમમાં આવા ઝોની સંખ્યા 24 ની છે અને તેમા 80 મકાનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે. આ સિવાય નોર્થવેસ્ટમાં આવા ઝોનનું પ્રમાણ સૌથી વધારે છે. તેમા આવા ઝોનની કુલ સંખ્યા 477 છે અને તેમા વસવાટ કરનારાઓની સંખ્યા લગભગ 1800 ઉપર  છે.

આ સિવાય નવા જાહેર કરવામાં આવેલા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામા આવનારી છે. આ સરવે દરમિયાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવનારા વ્યક્તિની પણ ચકાસણી કરવામાં આવશે.

(10:49 pm IST)