Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

બજારોમાં લોકો ઉમટી પડ્યા જોવા મળી ભીડ

અમદાવાદ : ૫૭ કલાકનો કર્ફયુ હટતાની સાથે જ શહેર ફરી ધબકતુ થયું : ઠેરઠેર ટ્રાફિક જામ

અમદાવાદ,તા. ૨૩: ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજયના ૪ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું જાહેર કરાયો છે. જયારે અમદાવાદમાં શુક્રવાર રાત્રે ૯ વાગ્યાથી લગાવામાં આવેલો કર્ફ્યું સોમવારે આજે વહેલી સવારે પુરો થયો હતો. જો કે જેવો કર્ફ્યું ખુલતા જ ફરી લોકોની ભીડ જોવા મળી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી શાકમાર્કેટમાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યાં.

રાજય સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યું સહિત શનિવાર અને રવિવારના રોજ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે સોમવારે આજે વહેલી સવારે કર્ફ્યુ ખુલતાની સાથે ફરી લોકોની ભીડ જોવા મળી.

શહેરના જમાલપુરની શાકમાર્કેટમાં લોકોની ભીડ જોવા મળી. જેમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું જોવા મળ્યું. ત્યારે સવાલ થાય એ થાય છે કે તંત્ર કોરોનાની ચેન તોડવા કર્ફ્યુ લગાવી રહ્યું છે તેમ છતા જો ભીડમાં એકઠા થતા લોકો નહી સમજે તો કોરોના હજુ પણ બેકાબુ જોવા મળી શકે છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૯૫ કોરોનાના કેસ નોંધાય છે. જયારે રાજયમાં ૧૧૬૭ દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ ૧૩ દર્દીઓના મૃત્યું થયા. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૧ કેસ નોંધાયા છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૩ કેસ સામે આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાંથી ૨ દિવસીય કર્ફ્યું હટાવામાં આવ્યો છે ત્યારે હવે શહેરમાં માત્ર રાત્રિ કર્ફ્યુ જ લાગુ રહેશે. ત્યારે ૨ દિવસના કર્ફ્યુ બાદ આજે વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું.

અમદાવાદ શહેરમાં ૫૭ કલાકના કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટમાં લોકોને ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે. જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યા ન હતા. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ૫૭ કલાકના કરફ્યૂ બાદ અમદાવાદ ધબકતું થયું છે. પરંતુ ચાની કીટલીઓ અને નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. તેમજ હાલ પણ લોકોની બેદરકારી જોવા મળી રહી છે. જો હજી પણ લોકો બેદરકારી દાખવશે તો કેસમાં વધારો થશે તેમજ જે લોકો માસ્ક નહીં પહેરે તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ સહિત ૩ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત છે.

(11:04 am IST)