Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુનો અંત આવતા જમાલપુર શાકમાર્કેટમાં ટોળા ઉમટ્યા: સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા

લોકો શાકભાજી ખરીદવા નીકળી પડતા ભારે ભીડ : કેટલાક ગ્રાહકો અને વેપારીઓ પણ માસ્ક પહેર્યા વિનાના જોવાયા

અમદાવાદ: શહેરમાં વધતા જતાં કોરોનાના સંક્રમણને કાબૂમાં કરવા માટે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારના 57 કલાકના કરફ્યુનો આજે સવારે અંત આવતાની સાથે જ શહેરના રસ્તાઓ પર લોકોની ચહલ-પહલ જોવા મળી રહી છે શહેરના જમાલપુર શાકમાર્કેટમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકો શાકભાજીની ખરીદી કરવા માટે નીકળી પડતા માર્કેટમાં ભીડ જોવા મળી હતી. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના લીરેલીરા ઉડ્યા હતા. આટલું જ નહીં, કેટલાક ગ્રાહકો અને વેપારીઓ પણ માસ્ક પહેર્યા વિનાના જોવા મળ્યા હતા

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શરૂ થયેલા 57 કલાકમાં કડક કરફ્યુનો આજે અંત આવ્યો છે. જો કે રાત્રી કરફ્યુ યથાવત જ છે. અમદાવાદ સિવાય સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ (Corona Outbreak In Gujarat) વધતા નાઈટ કરફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. આ શહેરોમાં પણ વહેલી સવારથી રસ્તા પર લોકોની અવરજવર જોવા મળી હતી.

(1:48 pm IST)