Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર:જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સોજામાં રહેતી પરિણીતાએ ગત શુક્રવારે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે તેના પિયરીયાઓને જાણ થતાં પરિણીતાના પિતાએ કલોલ તાલુકા પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મહેસાણાના વીજાપુર તાલુકાના ટીટોદણ ગામે રહેતાં ઈશ્વરજી મગનજી બારડે ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રી અવનિકાબેનના લગ્ન નવ મહિના અગાઉ કલોલ તાલુકાના સોજા ગામે રહેતા કિશનસિંહ બકુલસિંહ ડાભી સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા હતા. તેમની પુત્રી સાસરીમાં રહેતી હતી અને છેલ્લે નવરાત્રીની આઠમે તેને સાસરીમાં મોકલી હતી. ગત તા.ર૦મીને શુક્રવારના રોજ અવનિકાના સાસુ વિલાસબેનનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે અવનિકાનું બીપી ઘટી ગયું હોવાથી માણસા સિવિલમાં લાવ્યા છીએ જયા તેઓ પહોંચતાં તબીબ દ્વારા અવનિકાને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની પુછપરછમાં અવનિકાના સાસુએ નિવેદનમાં કહયું હતું કે અવનિકાએ ગળાફાંસો ખાધો હતો. જેથી લગ્ન બાદ સાસુ વિલાસબેન, નણંદ ગોપીબેન અને પતિ કિશનસિંહ દ્વારા તુ અમોને ગમતી નથી અને તારા પિતાએ દહેજમાં કાઈ આપેલ નહીં તેમ કહી મેણાટોણા મારતાં હતા તેમજ શારીરિક માનસિક ત્રાસ પણ આપતાં હતા. પરંતુ તેનું ઘર તુટે નહીં માટે તેને સમજાવીને સાસરીમાં મોકલતાં હતા. છેલ્લા ત્રણ દિવસથી અવનિકાને પથરીનો દુખાવો થતાં તેને પિયર લઈ જવાની વાત કરવામાં આવી હતી પરંતુ સાસુ દ્વારા તેને મોકલવામાં આવી નહોતી. હાલ તો કલોલ તાલુકા પોલીસે પિતાની ફરીયાદના આધારે સાસુ વિલાસબેન, નણંદ ગોપીબેન અને પતિ કિશનસિંહ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.સોલંકી કરી રહયા છે

(5:02 pm IST)