Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

અમદાવાદના તબીબે સગાઇ તોડી નાંખતા પાટણની યુવતીએ ઇ-મેઇલથી ધમકી આપીઃ તબીબ યુવતિની ધરપકડ

અમદાવાદ : હાલમાં સંબંધો ખુબ જ નાજુક થઇ ચુક્યા છે. નાની નાની બાબતોમાં યુવાનો બ્રેકઅપ અને સગાઇ તોડવા જેવી બાબત ખુબ જ સામાન્ય રીતે કરી લેતા હોય છે. તેવામાં સોશિયલ મીડિયામાં તે ખુબ ચાવીરૂપ ભુમિકા નિભાવે છે. સાયબર ક્રાઇમની એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે.અમદાવાદની વી.એસ હોસ્પિટલના તબીબે સગાઇ તોડી નાખતા યુવતીને લાગી આવ્યું હતું અને ઇમેઇલ પર ધમકી આપી હતી. 

વીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ મેહુલ મહેતાને ઇમેઇલ પર ધમકી મળતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી.  પોલીસે તપાસ કરતા આ ફેક મેઇલ આઇડી પાટણની તબીબ યુવતી દ્વારા બનાવાયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પાટણથી તબીબ યુવતીની ધરપકડ કરી છે. 

તબીબ યુવતીની પુછપરછમાં સામે આવ્યું છે કે, યુવતીની સગાઇ મેહુલ સાથે થઇ હતી. જો કે બંન્ને વચ્ચે મનદુખ થતા સગાઇ તોડી નાખી હતી. જે વાતનું લાગી આવતા યુવતીએ મેહુલને ડરાવવા માટે ફેક ઇમેઇલ આઇડી બનાવીને ધમકીભર્યો ઇમેઇલ કર્યો હતો. જો કે આરોપીએફરિયાદીની મિત્રને પણ ધમકીભર્યો ઇમેઇલ કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરીને પુછપરછ આદરી છે.

(5:28 pm IST)