Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાતે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય

દિવ્યાંગો માટે સ્ટાર્ટઅપ-ઇનોવેશન એજ્યુકેશન પ્રભાવિક રીતે કાર્યરત કરવા પરામર્શ કર્યો:JEE-IIIT જેવી પરિક્ષાનું ડિઝીટલ માધ્યમથી રાજ્યમાં અંતરિયાળ-ગ્રામિણ વિસ્તારોના યુવાનો સુધી કોચિંગ આપવા રાજ્ય સરકાર સાથે સહભાગી થવા ઇચ્છા દર્શાવી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત હિન્દી ચલચિત્ર જગતના અભિનેતા વિવેક ઓબેરોયે ગાંધીનગરમાં લીધી હતી.

  મુખ્યમંત્રી સાથે વિવેક ઓબેરોયે ખાસ કરીને સ્ટાર્ટઅપ ઇનોવેશન સેક્ટરમાં સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવક રીતે કાર્યરત કરવા અંગે વિશદ પરામર્શ કર્યો હતો.
  તેમણે ગુજરાતમાં ટોય ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ સ્ટાર્ટઅપ-ઇનોવેશનથી ટોય ઇન્ડસ્ટ્રી હબ બનાવવા સ્ટાર્ટઅપ-ઇનોવેશન યુનિવર્સિટીએ ટોય હેકાથોનના માધ્યમથી કરેલી પહેલ અંગે ચર્ચાઓ હાથ ધરી હતી.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ દિવ્યાંગ વ્યક્તિઓના સ્ટાર્ટઅપ-ઇનોવેશનને છેક ગ્રામિણ અંતરિયાળ વિસ્તાર સુધી યોગ્ય દિશા મળે તે માટેના તેમના પ્રયાસમાં રાજ્ય સરકાર યોગ્ય સહયોગ આપશે તેમ જણાયું હતું.
  વિવેક ઓબેરોયે ગુજરાતમાં યુવા વિદ્યાર્થીઓને JEE, IIIT જેવી પરિક્ષાઓના કોચિંગ માટે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી ડિઝિટલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી ગ્રામીણ યુવાનોને પણ કોચિંગ સુવિધા માટે પણ સહભાગીતાની ઇચ્છા દર્શાવી હતી.
   મુખ્યમંત્રીએ તેમને આઇ ક્રિએટ સહિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન માટેની મુલાકાત કરવા પણ આ બેઠકમાં સૂચવ્યું હતું.
  મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવશ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

(6:32 pm IST)