Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

શહેરોમાં રાતની સંચારબંધીને લીધે 5000 લગ્નોને માઠીઅસર : અમદાવાદમાં બે દિ 'માં 1700 લગ્ન રદ :કરોડોનું નુકસાન

પાર્ટી પ્લોટ અને બેન્ડબાજાને એડવાન્સ પેમેન્ટ મોટી સમસ્યા : નવા મુહૂર્ત કાઢવવા દોડધામ પણ પાર્ટીપ્લોટ ખાલી મળતા નથી : હોટલ બુકીંગ પણ કેન્સલ કરવા પડ્યા : પરિવારજનો ભારે મૂંઝવણમાં મુકાયા

અમદાવાદ : રાજ્યના ચાર મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂને કારણે 5000થી વધુ લગ્નોને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વેડિંગ ઇન્ડસ્ટ્રીઝને કરોડોનું નુકસાન થવાની સંભાવના છે.કોરોનાને કારણે અમદાવાદમાં લાગેલો વીકએન્ડ કરફ્યૂ પુરો થઇ ગયો પરંતુ સોમવારથી રાત્રિ કરફ્યૂ ચાલુ રખાતા નાઇટમાં લગ્નની યોજના બનાવનારાની ચિંતા વધી ગઇ છે.હાલના દિવસોમાં નિર્ધારિત કરનારા ઘણા લોકો દિવસમાં ફેરા સહિતની વિધિ ગોઠવી રહ્યા છે. તો તારીખ બદલવા માગતા ઘણાને મુહૂર્તના દિવસે ગાર્ડન કે પાર્ટી પ્લોટ ખાલી મળી રહ્યા નથી.

અમદાવાદમાં ગત શુક્રવારે 9 વાગ્યાથી લાગેલો 57 કલાકનો કરફ્યૂ સોમવારે સવારે 6 વાગે પુરો થઇ ગયો. પરંતુ રાજ્યના મુખ્ય 4 શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રે 9થી 6 સુધીનો કરફ્યૂ આગામી આદેશ સુધી ચાલુ રખાયો છે જેને કારણે લગ્નની ગોઠવણ કરનારા લોકો પરેશાન થઇ ગયા છે. પ્રાપ્ત વિગત મુજબ નવેમ્બર-ડિસેમ્બરમાં આ ચારેય શહેરમાં આશરે 5 હજારથી વધુ લગ્નો નિર્ધારિત છે. પરંતુ કરફ્યૂનો કારણે કઇ રીતે રિતરસમો પુરી કરવી તેની મૂંઝવણ લોકોને સતાવી રહી છે.

આ લગ્નો માટે લોકોને સૌથી મોટી સમસ્યા પાર્ટી પ્લોટ અને બેનડ વાજા માટે એડવાન્સનું કરેલું પેમેન્ટ છે. જે રાતના કરફ્યૂને કારણે જાન કાઢવાનું કે રિસેપ્શનનું આયોજન અશક્ય બની ગયું છે. તેનાથી પણ મોટી ચિંતા મુહૂર્તની છે. જે અંગે ઘણા પરિવારો લગ્ન ટાળવાનો વિચાર પણ કરી રહ્યા છે

અમદાવાદમાં ગત શનિવારે 500 અને રવિવારે 1200 એટલે કુલ 1700 લગ્નો નિર્ધારિત હતા. પરંતુ બે દિવસના કરફ્યૂને કારણે તમામ લગ્નો રદ કરવા પડ્યા. ઘણા પરિવારોમાં તો મહેમાનો પણ આવી ગયા હતા. જેઓ પણ કરફ્યૂમાં અટવાઇ ગયા હતા.

કોરોના અને લોકડાઉનને કારણે સૌથી વધુ અસર હોટેલ ઉદ્યોગને પડી હતી. દિવાળી પહેલાંથી માંડ ગાડી પાટા પર ચઢી રહી હતી. ત્યાં કરફ્યૂએ તેના પર પાણી ફેરવી દીધું. કારણ કે ધીરે-ધીરે બધા બુકિંગ રદ થઇ રહ્યા છે

સુરતથી પ્રાપ્ત અહેવાલ મુજબ ત્યાં નાની-મોટી આશરે 1500 હોટેલ્સ લગ્ન માટે બુક હતી. પરંતુ આ પરિસ્થિતિમાં કાર્યક્રમ રદ થવાના હોવાથી કરોડોનું નુકસાન થવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં આશરે 8 મહિના પછી તો લગ્નના મુહૂર્ત નીકળ્યા હતા. પરંતુ હવે કરફ્યૂને કારણે તે લાંબા ગાળા માટે ખેંચાઇ શકે છે. લગ્નો ટળવાને કારણે પાર્ટી પ્લોટ, મેરેજ ગાર્ડન, ડીજે અને મેરેજને લગતા અન્ય ધંધાને માઠી અસર પડી શકે છે.

(7:57 pm IST)