Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

મેમનગરમાં જૈન દેરાસર પાસેની ખુલ્લી જગ્યામાંથી કપાયેલો માનવ પગ મળ્યો

લોકોમાં હત્યા કરી લાશના ટુકડા ખેતરમાં ફેકયાની ચર્ચાએ જોર પકડ્યું

અમદાવાદ : મેમનગર વિસ્તારમાં દિવ્યપથ સ્કૂલ પાસે જૈન દેરાસર નજીકની ખુલ્લી વેરાન જગ્યામાંથી કપાયેલો માનવ પગ મળતા ચકચાર જાગી છે, લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને  લોકોમાં હત્યા કરી લાશના ટુકડા ખેતરમાં ફેકયાની ચર્ચાએ જોર પકડતા લોકો સ્થળ પર એકત્ર થવા લાગ્યા હતા

 .બનાવને પગલે ઘાટલોડિયા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લેવાઈ હતી. પ્રાથમિક તપાસમાં કપાયેલા પગ પર સર્જીકલ કટિંગના નિશાન મળ્યા છે. આમ કોઈ વૃધ્ધ વ્યક્તિનો પગ ઓપરેશન કરી કાપી નાંખ્યા બાદ હોસ્પિટલ સ્ટાફે ખુલ્લી જગ્યામાં ફેકયાનું અનુમાન થઈ રહ્યું છે. સ્થાનિકો ખુલ્લા અને વેરાન ખેતરની જગ્યામાં આવતા જતા અસામાજિક તત્વોને લઈ વર્ષોથી પરેશાન છે.જેને પગલે આ સ્થળ પર કાયમી પોલીસ પોઇન્ટ મુકાય તેવી લોકોની માંગણી છે.

ઘાટલોડિયા પોલીસને કપાયેલો માનવ પગ મળ્યાનો મેસેજ મળતા બપોરે સ્થળ પર પોલીસ ટીમ પહોંચી હતી. પોલીસ તપાસમાં પ્લાસ્ટિકના કોથળામાં કપાયેલો માનવ પગ અને મીઠું હતું. પોલીસે આ અંગે કપાયેલો માનવ પગ મળ્યાની નોંધ કરી હતી. પોલીસે એફએસએલની અધિકારીને સ્થળ બોલાવ્યા હતા. પ્રાથમિક અભિપ્રાયમાં કપાયેલો પગ ઓપરેશન કરી છૂટો કરવામાં આવ્યાનું એફએસએલએ જણાવ્યું હતું. ટીમને કપાયેલા પગ પર સર્જીકલ કટ માર્ક (મેડિકલ સાધનોથી પગ કાપ્યાના નિશાન) મળ્યા હતા. ડોગ સ્કોડની ટીમની પણ અન્ય માનવ અંગ ખેતરમા દાટયા કે ફેંકી દીધા હોય તો શોધવા માટે મદદ લેવાઈ હતી. જોકે કપાયેલા પગ સિવાય અન્ય કોઈ માનવ અંગ સ્થળ પરથી મળ્યા નથી.

 

ઘાટલોડિયા પીઆઈ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સર્જીકલ કટ માર્ક કપાયેલા પગ પરથી મળ્યા છે. જેથી કોઈ વ્યક્તિનું નજીકની હોસ્પિટલમાં ઓપરેશન કરી પગ છૂટો કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફે ખેતરમાં ફેંકી દીધાનું પ્રાથમિક તપાસમાં લાગે છે. આ અંગે તપાસ ચાલી રહી છે.

 ખુલ્લા અને વેરાન ખેતરને લઈ સ્થાનિક રહીશો વર્ષોથી પરેશાન છે. આ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલ તેમજ શાળાઓ આવેલી છે. અવારનવાર વેરાન જગ્યામાં અસામાજિક પ્રવુર્તીઓ થતી હોવાની લોકોની ફરિયાદ છે. વિસ્તારમાં સિનિયર સિટીઝનો પણ મોટા પ્રમાણમાં રહે છે. આમ લોકોની સુરક્ષા અને અસામાજિક પ્રવુર્તીઓ ના થાય તે હેતુથી સ્થાનિકોની આ સ્થળે કાયમી પોલીસ પોઇન્ટ મુકાય તેવી લાગણી છે

(8:26 pm IST)