Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અંકલેશ્વર નગર અને જીઆઈડીસીમાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા મંદિર,દુકાનો,રસ્તા અને ઘરો પાણીમાં ભરાયા

રામકુંડની સંરક્ષણ દીવાલ ધરાશાયી: રોટરી શાંતિધામ સ્મશાન ગૃહની દીવાલ પણ પાણીમાં પડી ગઈ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં અને જીઆઈડીસીમાં 2 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ પડતા જાણે આભ ફાટ્યું હતું.આ સાંબેલાધાર વરસાદથી ભગવાન ભોલેનાથ પણ રતનેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ ડૂબી ગયું હતું.અને જલારામ મંદિર પણ પાણીમાં ગરક થઈ ગયું હતું.આમલાખાડીમાં ભારે વરસાદનું પાણી આવતા પીરામણ વાળા રસ્તે અંડર બ્રિજમાં પાણી ભરાય જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અંકલેશ્વરમાં માત્ર 2 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતાં ભરૂચીનાકાથી હાંસોટ રોડને જોડતા માર્ગ પર આવેલ રમણમૂળજીની વાડી, રત્નેશ્વર મહાદેવ મંદિર અને જલારામ મંદિરના ગર્ભગૃહ સુધી વરસાદનું પાણી ફરી વળ્યું હતું. ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પાર્ક નજીક પાણી દુકાનોમાં ભરાયા હતા. રાજપીપળા ચોકડી સહિત મહાવીર ટર્નિંગ નજીક ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી આવી જતા ટ્રાફિકને અને જનજીવન પર મોટી અસર પહોચી હતી.

અંકલેશ્વરના રામકુંડની સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ હતી અને રોટરી શાંતિધામ સ્મશાન ગૃહ ની દીવાલ પણ પાણીમાં પડી ગઈ હતી .અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ શાક માર્કેટ આજુબાજુમાં અને જીઆઇડીસીના સરદાર પાર્કના બેઝમેન્ટમાં આવેલ ઘણી દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. સમગ્ર જિલ્લામાં મંગળવારની રાતથી બુધવાર બપોર સુધી સુસવાટા મારતા પવનો અને વીજળીના કડાકા સાથે વરસેલા તોફાની વરસાદથી અનેક મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓ પાણીમાં ગરક થઈ જવા પામી હતી.

(10:29 pm IST)