Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગાંધીનગરમાં કોરોનાના કહેર વચ્ચે ચિકન ગુનિયાના એક જ દિવસમાં 27 કેસ નોંધાયા : લોકોમાં ફફડાટ

ચિકનગુનિયાનો સૌથી વધુ ફેલાવો સેક્ટર 4, 5, 6માં જોવાયો : અમદાવાદનું આરોગ્યતંત્ર પણ સાવધ થયું

ગાંધીનગરમાં ચિકન ગુનિયાના એક જ દિવસમાં 27 કેસો આવતા શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેની સાથે આના પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયુ છે.

ગાંધીનગરમાં ચિકનગુનિયાના કેસોના પગલે અમદાવાદનું આરોગ્યતંત્ર પણ સાવધ થઈ ગયુ છે. તેણે પણ શહેરમાં કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ચિકનગુનિયાના કેસો પર ધ્યાન રાખવાનો પ્રારંભ કરી દીધો છે, જેથી તેને પ્રારંભથી જ અંકુશમાં રાખી શકાય. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ રીતે ચિકનગુનિયા જો વધતો રહ્યો તે આરોગ્યતંત્રએ કોરોનાને પડતો મૂકીને ચિકન ગુનિયાને રોકવામાં લાગી જવુ પડશે. રોગચાળામાં વૃદ્ધિની આટલી ઝડપ હોય તો તંત્ર માટે ચિકનગુનિયા અંકુશમાં લાવવા ભારે જહેમત કરવી પડે તેમ છે

ચિકનગુનિયાના કેસો એક જ દિવસમાં આવતા તંત્રએ તેની સામે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં ચિકનગુનિયાનો સૌથી વધુ ફેલાવો સેક્ટર 4,5,6માં જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે આ વિસ્તારની સાથે સમગ્ર શહેરમાં તેના કેસોની તપાસમાં લાગી ગઈ છે.

ગાંધીનગરના આરોગ્યતંત્રના મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓનું ધ્યાન કોરોના પર હોવાથી મચ્છરજન્ય રોગોને દૂર કરવા માટે જે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તે આ વખતે થઈ નથી. આમ હવે તેમણે કોરોનાની સાથે ચિકનગુનિયા પર પણ ધ્યાન રાખવુ જરૂરી છે.

શહેરના ખાનગી પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટરોનું કહેવુ છે કે હાલમાં અહીં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો વધી રહ્યા છે. ચિકનગુનિયા મચ્છર કરડવાથી થતો હોવાથી ડોક્ટરોએ કાળજી લેવા ખાસ સૂચન કર્યુ છે. આવામાં તાવ આવે સાંધા દુઃખે, શરીરમાં દુઃખાવો થાય એ ચિકનગુનિયાના લક્ષણ હોવાથી સાવચેત રહેવુ જરૂરી છે.

(12:20 pm IST)