Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું ઉદ્દબોધન

એવોર્ડ માટે પસંદ થયેલ વ્યકિતથી માત્ર વ્યકિતની નહિ એવોર્ડની ગરિમા વધવી જોઈએ

ગૃહમાં અસરકારતાથી મુદ્દાઓ રજુ કરવાની રીત, જાહેરજીવનમાં આચરણ સહિતના માપદંડોને આધારે ધારાસભ્યને શ્રેષ્ઠ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ સંસદીય લોકશાહીમાં વિધાનમંડળોને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યુ છે. પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તરીકે વિધાનસભા, લોકસભા વગેરે વિધાનમંડળોએ લોકોની અપેક્ષા અને જરૂરીયાત મુજબ સરકાર તથા તેના તાબા હેઠળ કામ કરતા વહીવટી તંત્ર ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાની અને તેમની લોકો પ્રત્યેની જવાબદેહી હાંસલ કરવાની ફરજો બજાવવાની છે. વિધાનમંડળના સભ્યોને સંસદીય લોકશાહી કાર્ય પધ્ધતિના નિયમો, પ્રણાલિઓની ઊંડી સમજ અને જાણકારી હોય ત્યારે જ તેઓ તેમની ફરજો સારી રીતે અદા કરી શકે. તેમ વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં જણાવ્યું હતું.

ભારતીય સંસદના બન્ને ગૃહો અર્થાત રાજયભા અને લોકસભાના વર્તમાન સભ્યોને તેમની સંસદસભ્ય તરીકેની ઉત્કૃષ્ઠ કામગીરીના કદરરૂપે આઉટસ્ટેન્ડીંગ પાર્લયામેન્ટ્રીયન એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ એવોર્ડ કુલ ૨૩ ઉત્કૃષ્ઠ પાર્લયામેન્ટ્રીયનને આપવામાં આવ્યો છે. જેમાં શ્રી પ્રણવ મુખર્જી, શ્રી સોમનાથ ચેર્ટજી, શ્રી એલ.કે.અડવાણી, ડો.મનમોહન સિંઘ,  શ્રીમતી સુષ્મા સ્વરાજ, ડો.મુરલી મનોહર જોષી, શ્રી અરૂણ જેટલી, ડો.કરણ સિંઘ વગેરે જેવી આદર્શ વ્યકિતઓએ આ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.

ગુજરાત રાજયમાં પણ ઉત્કૃષ્ટ અને આદર્શ ધારાસભ્યની વિધાનસભાગૃહની કાગમીરીની કદર થાય તથા સભ્યો તેઓના કામ પ્રત્યે વધારે સજાગ બને તે માટે તેઓને એવોર્ડથી નવાજવા જોઈએ તેવો વિચાર મને અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું ત્યારથી આવતો હતો. દહેરાદુન ખાતેની પ્રિસાઈડીંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં લોકસભાનાં અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીને મેં ખાત્રી આપી હતી કે ગુજરાત શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડથી નવાજવામાં પહેલ કરશે.

આ અંગે આ વિધાનસભા ગૃહનાં નેતા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ, સંસદીય મંત્રીશ્રીઓ સાથે સઘન વિચારણા કર્યા બાદ ગુજરાત વિધાનસભામાં રાજયની સર્વોચ્ચ બંધારણીય સંસ્થાની ગરીમા, સાર્થકતા, વિશ્વસનીયતા અને વિધાનસભાના વર્તમાન સભ્યોને તેઓની સભ્ય તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહિત  કરવાના હેતુથી શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત મેં તા.૨૮/૨/૨૦૨૦ના રોજ આ સન્માનીય સભાગૃહ સમક્ષ કરી હતી.

શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉદ્દબોધનમાં કહેલ કે મારી આ જાહેરાતના સંદર્ભમાં વર્તમાનમાં ભારતીય સંસદના આવા એવોર્ડ માટે નકકી કરવામાં આવેલ નિયમો તથા અન્ય રાજયોના વિધાનમંડળો દ્વારા પોતાના ગૃહના સભ્યો માટે આપવામાં આવતા સમાન પ્રકારના એવોર્ડ અંગેના ધોરણોનો સઘન અભ્યાસ કર્યા બાદ એવોર્ડ આપવા માટે ગુજરાત વિધાનસભા શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટેના નિયમો જૂન-૨૦૨૦માં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે નિયમોથી નિયત કર્યા મુજબ સભ્યનું સંસદીય કાર્યરીતિના નિયમો અને પ્રણાલિઓનું જ્ઞાન, તેનું પાલન, પ્રજાહિતના મુદ્દાઓ સંબંધમાં જાગરૂકતા, ગૃહમાં અસરકારતાથી મુદ્દાઓ રજૂ કરવાની રીત, જાહેરજીવનનમાં આચરણ, ગૃહની ગરીમાની જાળવણીમાં સહયોગ, ગૃહની કાર્યવાહીના સૂચારૂ સંચાલનમાં સહયોગ, ગૃહ અને સમિતિની બેઠકોમાં હાજરીની નિયમિતતા વગેરે અનેક માપદંડો છે. જે આધારે ધારાસભ્યશ્રીની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

માત્ર એવોર્ડ માટે વ્યકિત યોગ્ય છે તેવું નથી પરંતુ મને લાગે છે કે એવોર્ડ માટે પસંદ થયેલ વ્યકિતથી માત્ર વ્યકિતની નહી એવોર્ડની ગરિમા વધવી જોઈએ.

આ એવોર્ડની ગૌરવ અને ગરિમા જાળવવા સભ્યની પસંદગી માટે નિયત માપદંડોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવશે  આથી દર વર્ષે એવોર્ડ એનાયત થાય તે પણ જરૂર નથી.

શ્રી ત્રિવેદીએ જણાવેલ કે આ નિયમો એવોર્ડ આપવા માટે એવોર્ડ પસંદગી સમિતિની મારા અધ્યક્ષ સ્થાને રચના કરવામાં આવી છે. જેમાં ઉપાધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી  દ્વારા સન ૨૦૨૦ માટે સભ્યશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને શ્રી મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. આ સન્માનમાં ગૃહના નેતા અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને સંસદીય રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા પણ જોડાય તેવો અનુરોધ કર્યો હતો.

(4:21 pm IST)