Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં પશુચોરીના 1069 કેસો :556 ગુન્હા ઉકેલાયા : 1725 આરોપીઓ ઝડપાયા : હજુ 154 પકડવાના બાકી

ગૌવંશ પર એસિડ છાંટવાના કેસોમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓ પકડાયા

અમદાવાદ : ભાજપના રાજમાં હવે પશુઓ પણ સલામત નથી. વિધાનસભામાં આજે રાજ્ય સરકારે રજૂ કરેલાં જવાબ મુજબ 31-12-2019 ની પરિસ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં પશુચોરીના 1069 કેસો નોંધાયા છે, જે પૈકીના 556 ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે.

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે આજે જવાબ રજૂ કર્યો છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓની ચોરીના કુલ 1069 બનાવો રાજ્યમાં નોંધાયા છે. જે પૈકીના 556 ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે અને બાકીના ગુનાઓ ઉકેલવાના બાકી છે. આ ઉપરાંત આ ગુનાઓ હેઠળના 1725 આરોપીઓ પકડાઇ ચૂક્યા છે અને 154 આરોપીઓ હજુ પકડાવાના બાકી છે. પશુચોરીના કેસો બાબતે આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ માં દર વર્ષે અન્ય વિસ્તારો વધુ કેસો નોંધાય છે.

આ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષમાં ગૌવંશ પર એસિડ છાંટવાના કુલ 12 બનાવો આઠ જિલ્લામાં નોંધાય છે. આ જિલ્લાઓમાં આણંદ, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઝ, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે. ગૌવંશ પર એસિડ છાંટવાના કેસોમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓ પકડાયા છે અને બાકીના આરોપીઓ હજુ પકડાવાના બાકી છે.

(7:12 pm IST)