Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વલસાડના ડોક્ટરનું થયું અપહરણ: પોલીસની તવાઇના કારણે રાતોરાત છોડી મુક્યા

વલસાડ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવતા અપહરણકારો ગભરાઇ ગયા અને ડોક્ટરને છોડી મુક્યા

(કાર્તિક બાવીશીદ્વારા )વલસાડના હરિયા ગામે રહેતા ડોક્ટરનું બુધવારની રાત્રે અપહરણ થયું હતુ. અપહરણની આ ઘટનાના પગલે વલસાડ જિલ્લાનો સમગ્ર પોલીસ કાફલો તેમને શોધવામાં મંડી પડ્યો હતો. પોલસે ઠેર-ઠેર ચેકિંગ અને નાકાબંધી કરતા અપહરણકારો ગભરાઇ ગયા અને ડોક્ટરને છોડી મુક્યા હતા.

   હરિયા ગામે રહેતા ડો. જનકભાઇ વૈરાગી ગત રોજ તેમના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના મોપેડને અટકાવી બે અપહરણકારો તેમને પકડીને મારૂતીવાનમાં બેસાડી લઇ  ગયા હતા. તેમણે ડો. જનકભાઇની આંખ પર પટ્ટી બાંધી હતી અને તેમનો મોબાઇલ છીનવી લીધો હતો. ત્યારબાદ તેમણે ડોક્ટરના ફોનથી તેમની પત્નીને ફોન કર્યો હતો અને રૂ. 1 કરોડની ખંડણી માંગી હતી. જેના પગલે તેમના પત્નીએ પોલીસને જાણ કરી હતી.

  આ ઘટનાની જાણ થતાં વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ. એન. ચાવડા, એલસીબી પીઆઇ ગામિત રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલ તેમજ અન્ય સ્ટાફ ત્યાં ધસી ગયો હતો અને ડોક્ટરની શોધખોળમાં મંડી પડ્યો હતો. આ ઘટનામાં પોલીસનું દબાણ વધતાં ગભરાયેલા અપહરણકારો ડોક્ટરને આંખે પટ્ટી બાંધેલી હાલતમાં ચીંચાઇ ગામે રસ્તા પર છોડી ગયા હતા. ત્યારે ડોક્ટરે નજીકના ઘરે જઇ મદદ માંગી અને પત્નીનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમના ઘરે હાજર પોલીસને પણ તેની જાણ થઇ હતી અને તેઓ ચીંચાઇ ગામેથી ડો. જનકભાઇને સહી સલામત ઘરે લઇ આવ્યા હતા.

(9:27 pm IST)