Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગાંધીનગર નજીક ચિલોડા દહેગામ હાઇવે પર આઈશરે રિક્ષાને હડફેટે લેતા બે યુવાનનું ગંભીર ઇજાથી મૃત્યુ

ગાંધીનગર:શહેર નજીક આવેલા ચિલોડા દહેગામ રોડ ઉપર ગઈકાલે બપોરના સમયે ડભોડામાં રહેતાં ત્રણ યુવાનો રીક્ષા લઈને દહેગામ તરફ જઈ રહયા હતા તે દરમ્યાન મગોડી પાસે સામેથી આવતા આઈશરે તેમની રીક્ષાને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ખસેડાયા હતા. જયાં બે યુવાનોનું મોત નીપજયું હતું. જયારે એકની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે ચિલોેડા પોલીસે આઈશર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.   

ગાંધીનગર શહેરના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા દહેગામ રોડ ઉપર પણ અકસ્માતના બનાવમાં બે યુવાનોના મોત નીપજયા હતા. જે સંદર્ભે ડભોડામાં રહેતાં રતિલાલ સોમાભાઈ પરમારે ફરીયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર કિરણ રીક્ષા ચલાવે છે. ગઈકાલે બપોરના સમયે કિરણ તેની રીક્ષા નં.જીજે-૧૮-એવાય-૮૫૬૩ લઈને ડભોડા ગામમાં રહેતાં તેના મિત્ર મહેશકુમાર નરસીભાઈ પરમાર અને અલ્પેશ મંગાભાઈ પરમાર સાથે ડભોડાથી દહેગામ જવા નીકળ્યા હતા. રીક્ષા મગોડી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રીક્ષા અલ્પેશ ચલાવતો હતો. તે સમયે સામેથી આવતાં આઈશર ટ્રક નં.જીજે-૧૮-એવી-૮૧૩૧ના ચાલકે આ રીક્ષાને ટક્કર મારતાં ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન મહેશ અને અલ્પેશ પરમારનું મોત નીપજયું હતું. ત્યારે કિરણની સારવાર ચાલી રહી છે. આ મામલે ચિલોડા પોલીસે ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

(5:14 pm IST)