Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સરકારના દાવા પોકળ :અણઘડ વહીવટના લીધે કોરોના વકર્યો :નિષ્ણાતોની ચેતવણી પણ અવગણી : અમિત ચાવડાના પ્રહાર

કોરોના અંકુશમાં આવી જશે તેવી ગુલબાંગો પોકારી, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં કોઈ રસ ન દાખવ્યો

અમદાવાદ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં કોરોનાના મોરચે વણસતી પરિસ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે સરકાર પર આરોપ મૂકયો હતો કે રાજ્ય સરકારના અણઘડ આયોજનના લીધે રાજ્યમાં કોરોનાનો ફેલાવો વધ્યો છે. રાજ્ય સરકારે જો પૂરતી તકેદારી રાખી હોત તો કોરોનાના કેસોમાં આટલો વધારો થયો ન હોત. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યમાં કોરોનાના મોરચે વણસતી જતી સ્થિતિની ચિંતા કરી છે

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાનો સામનો કરવા માટે પૂરતી સગવડો હોવાનો દેખાવ જ કરે છે. અમદાવાદના દર્દીઓને હોસ્પિટલમાં આણંદ કે નડિયાદ સુધી દાખલ કરવો પડે છે, છેક વડોદરામાં હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે છે તે શું બતાવે છે. આ બતાવે છે કે સરકાર ભલે એકબાજુએ કોરોનાના દર્દીઓ માટે બેડ ખાલી હોવાનો દાવો કરતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેના લીધે આજે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા જ રહી નથી. આ સરકારનું અણઘડ આયોજન નહીં તો શું છે, તેની પાસે આ સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો સમય હતો. આજે સરકારી હોસ્પિટલોમાં લોકોને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા નથી

નિષ્ણાતો વારંવાર કહેતા હતા કે શિયાળા દરમિયાન મોટા શહેરોઅને ગીચ વસ્તીઓ કે વસાહતોમાં કોરોનાના કેસ વધશે, પરંતુ બધુ સરકારના બહેરા કાને અથડાયુ. સરકારે પોકળ વાતો કરી અને કોરોના અંકુશમાં આવી જશે તેવી ગુલબાંગો પોકારી, પરંતુ તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં કોઈ રસ ન દાખવ્યો. આમ સરકાર અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં કોરોનાના મોરચે આંકડા છૂપાવી રહી છે. તેની નિષ્ફળતાઓ છૂપાવી રહી છે.
સુપ્રીમ કોર્ટે પણ ચિંતા કરતાં જણાવ્યું હતું કે કોરોના વધી રહ્યો છે અને ડિસેમ્બરમાં તે બેકાબૂ થશે. તેમણે જણાવ્યું હતું કે મારે સરકારને પૂછવું છે કે બે દિવસના કરફ્યુ કે રાત્રિ કરફ્યુ કરવાથી કોરોનાને આગળ વધતા કેવી રીતે રોકી શકીશું

(6:11 pm IST)