Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મોટા વરાછાથી બારડોલી પહોંચી ગયેલા બાળકને બારડોલી પોલીસે માતપિતા સાથે સુખદ મિલન કરાવ્યુ

બારડોલી તાલુકાનાં નાંદીડા ચાર રસ્તા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવેલા 11વર્ષીય બાળકને બારડોલી પોલીસે મોટા વરાછા ખાતે રહેતા તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર ગત 22મી નવેમ્બરના રોજ બારડોલી તાલુકાનાં નાંદીડા ચાર રસ્તા વિસ્તારમાંથી નીકુલ ઈશ્વરભાઈ રાઠોડ (ઉ.વર્ષ 11) નામનો છોકરો બિનવારસી હાલતમાં મળી આવતા ગામના આગેવાનો બારડોલી પોલીસ સ્ટેશનમાં મૂકી ગયા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં તેની તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી. તેમજ ડાબા પગે ઇજા પણ પહોંચી હતી. પોલીસે બાળકની સારવાર કરાવ્યા બાદ તેની પૂછપરછ કરતાં તે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યુ હતું. અને ત્રણ દિવસ પહેલા તે ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારથી દૂર નીકળી આવ્યો હતો. ઘરે પરત જવા માટે એક છકડામાં બેસી તે અજાણતામાં સુરતથી બારડોલી તરફ આવી ગયો હતો. બાળક માત્ર મોટા વરાછા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવતો હતો. બાકી અન્ય કોઈ વિગત તેની પાસે હતી નહિ. આથી મોબાઇલમાં ફોટો લઈ પોલીસે તેના વાલીવારસને શોધવા પ્રયત્ન હાથ ધર્યા હતા. દરમ્યાન સોમવારના રોજ પોલીસે વાલીવારસને શોધી ચોક્કસ ઓળખ કરાવડાવી અને તેના માતા પિતાને વરાછા પોલીસ મથકમાં સ્ટાફની રૂબરૂમાં બાળકનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.

(11:38 pm IST)