Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સી-પ્લેન માટે પૂરજોશમાં તૈયારી શરૂ: રિવરફ્રન્ટ પર એરપોર્ટ બિલ્ડિંગ-ટર્મિનલ બનાવવા યોજના

સી-પ્લેન માટે જેટી આવી ગઈ:ખાસ પાર્કિંગ સ્પેસ ઉભો કરાશે : ફલોટીંગ જેટીની કનેકટિવીટી માટે એક બ્રીજ બનાવાશે

અમદાવાદ : આગામી 31 ઓકટોબરના રોજ કેવડીયા કોલોની ખાતેથી જેનો આરંભ કરવાની આલબેલ પોકારાઈ રહી છે એવા સી-પ્લેન માટે અમદાવાદના સાબરમતી રીવરફ્રંટના અપર પ્રોમેનાડ પર એરપોર્ટ બિલ્ડીંગ તેમજ ટર્મિનલ અને વોચ ટાવર સહીતની સુવિધા ઉભી કરવા તંત્ર દ્વારા આયોજન કરાયુ છે.જો કે આ માટે સમય ખુબ ઓછો હોવાથી એરપોર્ટ બિલ્ડીંગ નજીકના સમયમાં બનવું શકય ન હોઈ હાલ પુરતી સી-પ્લેન ઉડાડી શકાય એવી અન્ય તમામ સુવિધા ઝડપથી પુરી કરી લેવા તંત્રને આદેશ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

વડાપ્રધાન  મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીના એક એવા સી-પ્લેનને અમદાવાદથી કેવડીયા સુધી 31 ઓકટોબર-2020થી શરૂ કરી શકાય એ માટે તંત્ર દ્વારા અમદાવાદ શહેરનાં આંબેડકર બ્રિજ પાસે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.સી-પ્લેન માટે જેટી આવી ગઈ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે,રીવરફ્રંટના અપર પ્રોમેનાડ પર એરપોર્ટ બિલ્ડીંગ ઉપરાંત ટર્મિનલ અને વોચ ટાવર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત વ્હીકલ પાર્કીંગ માટે પણ ખાસ પાર્કીંગ સ્પેસ ઉભી કરવામાં આવશે. ઉપરાંત ફલોટીંગ જેટીની કનેકટિવીટી માટે એક બ્રીજ તૈયાર કરાશે.

આ બ્રીજ નદીના પાણીને લેવલમાં રાખી જેટીને કનેકટિવીટી કરી આપશે.ઓથોરીટી જયાં સુધી પોતાની સ્વાયત્ત ફાયર સિસ્ટમ પ્રણાલી ,ફાયર ફાઈટીંગ બોટ,રેસ્કયુ વ્હીકલ અને સ્ટાફ સાથે ઉભી નહીં કરે ત્યાં સુધી મ્યુનિ.ફાયર વિભાગ દ્વારા સી-પ્લેન માટે જરૂરી એવી ફાયર ફાઈટીંગ સિસ્ટમ અને રેસ્કયુ સિસ્ટમ ઉપલબ્ધ કરાવશે.

સી-પ્લેન માટે નદીના પાણીમાં રન-વે બનાવવા માટે બોયાની મદદ લેવામાં આવશે.બોયા સી-પ્લેનને આવવા અને જવા માટેનો ચોકકસ રન-વે ઉપલબ્ધ કરાવશે.બોયાની મર્યાદામાં જ સી-પ્લેનને આવવા-જવાનું રહેશે

(12:03 pm IST)