Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

દીકરીઓને લગ્ન સમયે ૧ લાખની સહાય અપાશે

વ્હાલી દિકરી યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૯૨૦ અરજીઓ મંજૂર : રાજ્ય સરકાર દ્વારા દીકરીને પ્રથમ ધોરણમાં ૪ હજાર, નવમાં ધોરણમાં ૬ હજારની સહાય

રાજકોટ,તા. ૨૫: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની 'વ્હાલી દીકરી યોજના'અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૨૦ અરજીઓ મંજૂર થઇ ચૂકી છે. મહિલા-દીકરીઓના સશિકતકરણ અને દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવાના હેતુથી મુખ્યમંત્રીશ્રી દ્વારા આ યોજના લાગુ કરાઇ છે.

 જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાંથી ૪૬૭, ઉપલેટા તાલુકામાંથી ૧૦૦, ધોરાજી તાલુકામાંથી ૯૫, ગોંડલ તાલુકામાંથી ૫૬, વિછિયા તાલુકામાંથી ૪૭, જેતપુર તાલુકામાંથી ૭૯, લોધિકા તાલુકામાંથી ૭, કોટડા સાંગાણી તાલુકામાંથી ૪૨, જસદણ તાલુકામાંથી ૯, રાજકોટ તાલુકામાંથી ૮, જામકંડોરણા તાલુકામાંથી ૧૦ અરજીઓ મંજૂર કરાઇ છે.

દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કિરણ મોરિયાણીએ જણાવ્યુ હતું કે આ યોજનામાં લાભાર્થી દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪૦૦૦ની સહાય, દીકરીને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૬૦૦૦ની સહાય અને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ. ૧ લાખની સહાય રાજય સરકાર દ્વારા અપાશે.

વધુમાં વધુ બે દીકરીઓ અને તા.૨-૮-૨૦૧૯ કે તે પછી જન્મેલ દીકરીઓને આ લાભ મળવા પાત્ર થશે. પ્રથમ અને દ્વિતિય બંને દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. દીકરીના જન્મ સમયે માતાની ઉમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઇએ. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને લાભ મળવા પાત્ર રહેશે. પ્રથમ દીકરો અને બીજી દીકરીઓ (જોડિયા) કે તેથી વધુ એક સાથે જન્મના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને 'વ્હાલી દીકરી યોજના'નો લાભ મળવા પાત્ર થશે.

આ યોજનાનો લાભ મેળવવા માંગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. આ યોજનાનું અરજી પત્રક વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રો, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મેળવી શકાશે.

અરજી સાથે આ પુરાવા જોડવા

. અરજી સાથે ૧.લાભાર્થી માતા-પિતાની સયુંકત આવક અંગેની ચીફ ઓફિસર/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઇપણ એકનો દાખલો. ૨. લાભાર્થી માતા-પિતાની ઉંમર અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર/ જન્મનો દાખલો(અન્ય કોઇ પણ આધાર-પુરાવા હોય તો પીએચસી/સીએચસી સિવિલ સર્જન પૈકીના કોઇ પણ એક સરકારી ડોકટરી પ્રમાણપત્ર/સર્ટીફિકેટ. ૩.દીકરીનું જન્મપત્રક. ૪.લાભાર્થી દીકરીના માતાની આધારકાર્ડની નકલ. ૫.દંપતી પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા. ૬.અરજદારના રેશનકાર્ડની નકલ. ૭.નિયત નમૂનામાં દંપતીનું સોંગદનામુ. ૮.દંપતીના લગ્નનું પ્રમાણપત્ર. સહિતના પુરાવાઓ જોડાવાના રહેશે.

(12:53 pm IST)