Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

નવસારીમાં દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ ૩૫ લાખમાં વેચવા જતી ટોળકી પકડાઈ

નવસારી, તા.૨૫: દુર્લભ વન્ય પ્રાણીઓને નાશપ્રાય થતા બચાવવા માટે વન વિભાગ ખૂબ મહેનત કરી રહ્યું છે. જોકે, ૨૧મી સદીમાં પણ અંધશ્રદ્ઘામાં વિશ્વાસ ધરાવતા લોકો વન્ય પ્રાણીઓનો ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરતા હોય છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સડોદરા ગામે નાગપુરથી કીડીખાઉનું વેચાણ કરવા આવેલી ટોળકી વન વિભાગના સકંજામાં આવી ગઈ છે. નવસારી વન વિભાગને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નાગપુરમાંથી ચાર જેટલા લોકો કીડીખાઉના વેચાણ માટે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કીડીખાઉ વન્ય પ્રાણીને નાશ થવાની આરે પહોંચેલી પ્રજાતિ માનવામાં આવે છે. નવસારી વન વિભાગે બાતમીને આધારે ચાર લોકો સાથે ધરપકડ કરી છે.

એવી પણ માન્યતા છે કે કીડીખાઉ પ્રાણીનો વિવિધ દવાઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ધાર્મિક માન્યતા પ્રમાણે પૈસાનો વરસાદ કરવા માટે કીડીખાઉનો ઉપયોગ કરવામાં આવે છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ કીડીખાઉનો પૈસા છાપવાની વિધિ કરવાની પેરવી કરી રહ્યા હોવાની બાતમીના આધારે નવસારી વન વિભાગે દરોડો કર્યો હતો.

ફાર્મ હાઉસમાં ધાર્મિકવિધી માટે સુરતના બે અને નાગપુરથી આવેલા ચાર આરોપીઓ પેરવી કરી રહ્યા હતા. આ દરમિયાન જ વન વિભાગે દરોડો કરતા તમામ ઇસમો પકડાયા હતા. વન વિભાગે આરોપીઓ વિરુદ્ઘ વન્યપ્રાણી સુરક્ષા ધારા મુજબ ગુનો નોંધ્યો છે. આ કીડીખાઉની બજાર કિંમત ૩૫ લાખ માનવામાં આવી રહી છે.

આ પ્રજાતિના પ્રાણીઓનો લુપ્ત પ્રજાતિઓમાં સમાવેશ થથો હોવાથી તેને નુકસાન પહોંચાડનારને સજાની પણ જોગવાઈ હોય છે. ડીસીએફ મુનાફ શેખે આ મામલે જણાવ્યુ હતુ કે, જલાલપોર તાલુકાના સડોદરા ગામેથી કીડીખાઉ વેચાણ કરવા આવેલી ટોળકી વન વિભાગના સકંજામાં આવી ગઈ છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે અઢી દિવસના રિમાન્ડ પણ મંજૂરી કર્યા છે.

લુપ્ત થતી પ્રજાતિનું વિચિત્ર દેખાતું કીડીખાઉ પ્રાણી વૃક્ષો કે માટીના દરમાં કીડી-મંકોડી જેવા નાના જીવજંતુનો શિકાર કરે છે. તે પોતાના કુદરતી આકાર અને વજનના કારણે મોટા ઉંદર કે સસલા જેવા પ્રાણીઓનો શિકાર કરી શકતું નથી. આ પ્રજાતિનું પ્રાણી માનવ વસ્તીમાં ભાગ્યે જ જોવા મળે છે.

આરોપીઓમાં જગદીશ નારાયણરાવ વવારે (અમરાવતી, નાગપુર), સતીશ વાવરે (અમરાવતી, નાગપુર), પ્રફુલ શિવાદાસ વાવરે (અમરાવતી, નાગપુર), ગુલામ મહંમદ લીંબાયત, સુરત,અખ્તર ખાન પઠાણ, સુરત ૬) ભગવાન રાઠોડ (સાતેમ, નવસારી)ની ધરપકડ કરાઈ છે.

(12:54 pm IST)