Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુરતમાં ડ્રગ્સ તૈયાર કરતી ફેકટરી ધમધમતી'તીઃ સૌરાષ્ટ્રના (લીલીયા પંથક)ના યુવાન સંકેતની પૂછપરછમાં ધડાકો

'ડ્રગ્સ મુકત સુરત' અભિયાનમાં શાળા-કોલેજો, વિવિધ સંસ્થાઓને જોડવાનું અભૂતપુર્વ અભિયાન : ઐતિહાસિક ડ્રગ્સ જથ્થો પકડવાનો યશ પોતાની ટીમને આપતા સીપી : કડોદરા વિસ્તારની ફેકટરીમાંથી કબ્જે કરવામાં આવેલ ડ્રગ્સ બનાવટના કેમીકલો અને પદાર્થો એફએસએલમાં મોકલાયાની ચર્ચાને અકિલા સાથેની વાતચીતમાં સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરનું સમર્થન

રાજકોટ, તા., ૨૫: રાજયના પોલીસવડા  આશિષ ભાટિયા દ્વારા ગુજરાતભરમાં ડ્રગ્સ માફીયાઓ સામે જંગ છેડી સમગ્ર રાજયના  સેનાપતીઓ અને ફોજને આ કાર્યમાં પુરજોશથી   જોડવાના કાર્યને બીએસએફનું બેક ગ્રાઉન્ડ  ધરાવતા સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમે સુરતના ઇતિહાસના સૌથી મોટા ડ્રગ્સ રેકેટ પરથી પડદો હટાવવા સાથે  સુરતના કડોદરા વિસ્તારમાં ડ્રગ્સ તૈયાર થતું હોવાનું બહાર લાવતા જ ગુજરાતભરમાં  ખળભળાટ મચી ગયો છે.

અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે ઉકત બાબતને સમર્થન આપવા સાથે મૂળ સૌરાષ્ટ્રના લીલીયા પંથકના યુવાન સંકેતની ભુમીકા ખુબ જ મહત્વની હોવાનું અને આ દિશામાં તપાસ ચાલી રહયાનું જણાવ્યું હતું. અકિલા સાથેની વાતચીતમાં અજયકુમાર તોમરે વિશેષમાં જણાવેલ કે કડોદરાની એક બિલ્ડીંગમાંથી કબ્જે કરવામાં આવેલ ડ્રગ્સ બનાવટના વિવિધ કેમીકલો અને પદાર્થો એફએસએલમાં  મોકલવામાં આવ્યા છે.

અજયકુમાર તોમરે ઐતિહાસિક ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો પકડાયો તેનો સમગ્ર યશ પોતાની ટીમના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર.સરવૈયા સહીતના તમામ પોલીસ ઇન્સ્પેકટરો, પોલીસ સબ ઇન્સ્પેકટરો અને નાનામાં નાના પોલીસ સ્ટાફને આપ્યો છે. તેઓએ જણાવેલ કે મારી આ ટીમ મારી સાથે જોંશભેર દોડી ન હોત તો આવી સફળતા શકય ન હતી.

અજયકુમાર તોમરે વાતચીતના અંતે જણાવેલ કે સુરતને ડ્રગ્સ મુકત કરવા માટેના અભિયાનમાં લોકોમાં જાગૃતી લાવવા વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, વિવિધ સામાજીક સંસ્થાના હોદેદારો તથા સમાજના તમામ વર્ગના લોકોને આ અભિયાનમાં આગામી દિવસોમાં જોડવામાં આવી ડ્રગ્સ માફીયાઓને  દેશવટો આપવાનું અભિયાન તેજ બનાવવામાં આવશે.

દરમિયાન સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ટીમ દ્વારા થયેલ ઐતિહાસિક કાર્ય અંગે પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે. ડ્રગ્સના ઐતિહાસિક જથ્થા તથા મસમોટા  ગાંજાના રેકેટ અંગેની જાણ પોલીસ કમિશ્નર દ્વારા એનસીબીને સતાવાર રીતે કરી દેવામાં આવ્યાનું સૂત્રો જણાવે છે.

(12:55 pm IST)